અમદાવાદ શહેરમાં વિતેલા દિવસોમાં પડેલા અતિભારે વરસાદ અને તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલતા જળબંબાકાર બાદ હવે નવી મુશ્કેલીઓ ઊભી થઈ છે. શહેરમાંથી જેમ-જેમ વરસાદી પાણી ઓસરી રહ્યા છે, તેમ-તેમ રસ્તાઓ પર થયેલી તારાજી અને બિસ્માર સ્થિતિ સપાટી પર આવી રહી છે.

રસ્તાઓની તારાજી અને બિસ્માર સ્થિતિ

વરસાદી પાણી ઉતરવાની સાથે જ શહેરના મુખ્ય અને આંતરિક માર્ગો પર મોટા-મોટા ગાબડાં અને ભૂવા પડવાનું શરૂ થઈ ગયું છે. અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ મેલડી માતાના મંદિર નજીક મુખ્ય રસ્તા પર અચાનક એક વિશાળ ભૂવો પડી ગયો હતો. રોડ નીચેની ડ્રેનેજ કે માટીનું ધોવાણ થઈ જતાં રોડનો મોટો ભાગ અંદર બેસી ગયો હતો.

સદનસીબે દુર્ઘટના ટળી – બેરિકેટિંગ કરાયું

ભૂવો પડ્યો તે સમયે સદનસીબે કોઈ વાહનચાલક કે રાહદારી તેની ચપેટમાં ન આવતાં મોટી જાનહાનિ કે અકસ્માત ટળ્યો હતો. ઘટના અંગે સ્થાનિકોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ને જાણ કરતાં જ કંટ્રોલ રૂમ એક્શનમાં આવ્યો હતો. AMC ની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને ભૂવાની આસપાસ બેરિકેટ્સ ગોઠવી દીધા છે જેથી રાત્રિના સમયે કે વ્યસ્ત ટ્રાફિકમાં કોઈ વાહન ભૂવામાં ખાબકી ન જાય.

ભૂવાની આસપાસ બેરિકેટ્સ ગોઠવી દીધા

ઉલ્લેખનીય છે કે,  પાણી ઓસરી ગયા બાદ હવે રસ્તાઓ પર પડેલા ઊંડા ખાડા અને ધોવાઈ ગયેલા ડામરના કારણે વાહનચાલકો માટે ગાડી ચલાવવી અત્યંત જોખમી બની ગઈ છે. સ્થાનિક નાગરિકો દ્વારા AMC પાસે માંગ કરવામાં આવી રહી છે કે માત્ર બેરિકેટિંગ કરવાને બદલે ભૂવાઓનું તાત્કાલિક પૂરણ કરી બિસ્માર રસ્તાઓનું પેચવર્ક હાથ ધરવામાં આવે.

આ પણ વાંચો: Morbi Rain: મચ્છુ- ડેમ 100 ટકા ભરાતાં 4 દરવાજા 7 ફૂટ ખોલાયા, પાણીની તોતિંગ આવકથી 29 ગામોને કરાયા હાઇ એલર્ટ