અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ ગોઠણસમા પાણી ભરાઈ જવાની સમસ્યા આજની નથી. દર વર્ષે કરોડોના ખર્ચે પ્રી મોન્સૂન પ્લાનની વાતો કરનારા AMCના સત્તાધિશો શહેરમાં પાણી ભરાવાની સમસ્યાને ઉકેલી શક્યા નથી. માત્ર એકથી દોઢ ઈંચ વરસાદમાં જ શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. લોકોના મકાનો અને દુકાનો પણ વરસાદી પાણીમાં ગરકાવ થઈ જાય છે. અંડરપાસ બંધ કરવા પડે છે અને રોડ રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. સવારથી જ નોકરી ધંધે નીકળેલા લોકો આ વરસાદી પાણીમાં મુશ્કેલીમાં મુકાય છે. આ મુદ્દે ભાજપના જ ધારાસભ્ય દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે. અગાઉ મનપાની ઈલેક્ટ્રીક બસનો મુદ્દો ઉઠાવનાર ધારાસભ્ય અમિત શાહે આ વખતે વરસાદી પાણીનો મુદ્દો ઉઠાવ્યો છે.
રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી નથી થતી
અમદાવાદ શહેરમાં AMCની વહીવટી કામગીરી સામે ખુદ સત્તાધારી પક્ષના જ ધારાસભ્ય દ્વારા ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે.એલિસબ્રિજ વિસ્તારના ભાજપના ધારાસભ્ય અમિત શાહે સાબરમતી રિવરફ્રન્ટ પર વરસાદી પાણીના નિકાલની બદ્દતર વ્યવસ્થાઓને લઈને તંત્રની પોલ ખોલી નાખી છે.તેમણે જાહેરમાં આક્ષેપ કર્યો છે કે સાબરમતી રિવરફ્રન્ટ અને રિવર ઓપનિંગમાંથી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થતો નથી.જેના કારણે માત્ર 1 ઇંચ જેટલો સામાન્ય વરસાદ પડે તો પણ આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે.આ ગંભીર સમસ્યા અંગે અગાઉ અનેકવાર ઉચ્ચ સ્તરે રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી તેવો દાવો પણ કરવામાં આવ્યો છે.એટલું જ નહીં પરંતુ આ મુદ્દે સત્તાવાર સંકલન બેઠકમાં પણ કડક રજૂઆત કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું છે.
