રાજકોટ મહાનગરપાલિકામાં આવાસ યોજનાની ફાળવણીને લઈને એક મોટો વિવાદ સામે આવ્યો છે.ફાળવણીમાં ગેરરીતિની આશંકાના પગલે મનપાના ઇતિહાસમાં પ્રથમવાર આવાસનો ડ્રો રદ કરવામાં આવ્યો છે.સોરઠિયાવાડી અને ગોકુલનગર વિસ્તારના 165 લાભાર્થીઓના આવાસો તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવ્યા છે. જેમાં 165 પૈકી 50 જેટલા આવાસો જંગલેશ્વરના રહેવાસીઓને ફાળવવામાં આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.આ સમગ્ર પ્રકરણમાં અધિકારીઓ દ્વારા આર્થિક વ્યવહાર કરાયા હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.આવાસ કૌભાંડના આ ખુલાસા વચ્ચે રાજકોટના ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણીનું નામ સીધી રીતે વિવાદમાં આવતા રાજકારણ ગરમાયું છે.
આવાસ કૌભાંડમાં ડેપ્યુટી મેયરનું નામ ખુલ્યું
નટરાજ નગરના સ્લમ વિસ્તારમાં આવેલી રાજીવ ગાંધી આવાસ યોજનાના ક્વાર્ટર નંબર 119 ડે.મેયર દક્ષાબેન વસાણીના નામે હોવાનો ઘટસ્ફોટ થયો છે.આક્ષેપ છે કે બંગલામાં રહેતા હોવા છતાં દક્ષાબેન વસાણીએ ગરીબો માટેનું આવાસ પોતાના નામે મેળવી લીધું હતું અને આ આવાસના વેચાણ પહેલાં તેને ભાડે પણ આપવામાં આવ્યું હતું.હાલ આ ક્વાર્ટરમાં આલાભાઈ સુરા નામના વ્યક્તિ રહે છે અને તેમણે 8 લાખ રૂપિયામાં દક્ષાબેન પાસેથી આવાસ લીધું હોવાની ચર્ચા છે.આવાસનું વેરા બિલ પણ દક્ષાબેન જ ભરી રહ્યા હોવાના આક્ષેપો સાથે ભાજપના નેતાઓ ગરીબોના આવાસો છીનવી રહ્યા હોવાનો સુર ઉઠ્યો છે અને ચૂંટણીના સોગંદનામામાં પણ આ આવાસ દર્શાવવામાં આવ્યું ન હોવાનો ગંભીર આરોપ છે.મનપાના ઉચ્ચ અધિકારીઓની સંડોવણી અને 2015થી 2024 દરમિયાન ભાજપના નેતાઓએ આવાસો મેળવ્યા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
