ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન અમદાવાદના એક દિવસીય પ્રવાસે પહોંચ્યા છે, જ્યાં તેઓ સંગઠન મજબૂત કરવાની દિશામાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. તેમના આગમન દરમિયાન જગદીશ વિશ્વકર્મા પણ હાજર રહ્યા. સવારે રાષ્ટ્રીય અધ્યક્ષે સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લીધી અને શહેરના વિકાસકાર્યોની માહિતી મેળવી. ત્યારબાદ તેઓ ભદ્રકાળી માતાનું મંદિર ખાતે દર્શન માટે પહોંચવાના છે.

MLA બાબુ જમનાદાસના નિવાસસ્થાને બેઠક યોજાશે

સવારે 11 વાગ્યે પ્રદેશ પદાધિકારીઓ સાથે મહત્વપૂર્ણ સંવાદ યોજશે, જેમાં સંગઠન વિસ્તરણ, સભ્યતા અભિયાન અને આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખી વ્યૂહરચના અંગે ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ MLA બાબુ જમનાદાસના નિવાસસ્થાને બેઠક યોજાશે, જ્યાં સ્થાનિક રાજકીય મુદ્દાઓ પર વિચારવિમર્શ કરવામાં આવશે. સાથે સાથે સામાજિક અગ્રણીઓ સાથે ખાસ સંવાદ યોજી વિવિધ વર્ગોને પાર્ટી સાથે વધુ સક્રિય રીતે જોડવાના પ્રયાસો પર ભાર મુકાયો છે.

સંગઠનને વધુ સક્રિય અને મજબૂત બનાવવાનું લક્ષ્ય

બપોરે 2 વાગ્યે કમલમ ખાતે સોશિયલ મીડિયા ટીમ સાથે બેઠક યોજાશે, જેમાં ડિજિટલ માધ્યમો દ્વારા પાર્ટીના સંદેશને વધુ અસરકારક રીતે પહોંચાડવા માર્ગદર્શન આપવામાં આવશે. ત્યારબાદ સાંજે 4 વાગ્યે ગિફ્ટ સિટી ખાતે યુવાનોને ખાસ સંબોધન આપતા તેઓ યુવા શક્તિના મહત્વ પર પ્રકાશ પાડશે. ત્યારબાદ 5:30 વાગ્યે GMDC હોલ ખાતે બુથ કાર્યકર્તાઓના સંમેલનમાં ઉપસ્થિત રહી નાના કાર્યકર્તાઓને સંગઠન મજબૂત બનાવવાના સંકલ્પ સાથે કાર્ય કરવા આહ્વાન કરાશે. આ સમગ્ર પ્રવાસ સંગઠનને વધુ સક્રિય અને સુવ્યવસ્થિત બનાવવા કેન્દ્રિત રહ્યો હતો.

આ પણ વાંચો : હારીજના રાવિન્દ્રમાં ગામલોકો દ્વારા દારૂ પર પ્રતિબંધ લદાયો