વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેરજીવનના 25 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠકો પર ભાજપ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્યકરોને વર્ચ્યુઅલી સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ગુજરાતની ઓળખ એટલે વેપાર અને આપણું કચ્છ આજે આશાઓનું એક નવું કેન્દ્ર બનીને ઉભર્યું છે.તેમણે પક્ષના કાર્યકરોના સમર્પણને બિરદાવતા ઉમેર્યું હતું કે, ગુજરાતના આજના કાયાકલ્પમાં ભાજપના પાયાના કાર્યકરોની ભૂમિકા જરાય ઓછી નથી.
સુવર્ણકાળની વાતો થાય છે તે હવેની પેઢી નજરે જોશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની ઓળખ એટલે વેપાર અને આપણું કચ્છ આજે આશાઓનું નવું કેન્દ્ર બન્યું છે. વર્ષ ૨૦૦૧ની આસપાસ રાજ્યમાં ભીષણ દુકાળની સ્થિતિ હતી, પરંતુ 'ગુજરાતના વિકાસથી રાષ્ટ્રનો વિકાસ'ના મંત્ર અને જનભાગીદારીથી ઝડપી પ્રગતિ શક્ય બની છે. તેમણે ઉમેર્યું કે, વિકસિત ભારતના નિર્માણ માટે ગુજરાતે હજુ મોટી હરણફાળ ભરવાની છે અને જે સુવર્ણકાળની વાતો થાય છે તે હવેની પેઢી નજરે જોશે.
