અમદાવાદમાં નશાના કારોબારીઓ સામે પોલીસે વધુ એક મોટી સફળતા મેળવી છે. અમદાવાદ ગ્રામ્ય એસઓજી અને બોપલ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ઘુમા વિસ્તારમાંથી લાખો રૂપિયાની કિંમતના હાઇબ્રીડ ગાંજાના જથ્થા સાથે એક શખ્સને રંગેહાથ ઝડપી પાડ્યો છે. પકડાયેલો આરોપી પોતાના જ ઘરમાંથી નશાના આ કાળા કારોબારનું છૂટક નેટવર્ક ચલાવતો હોવાનું સામે આવ્યું છે.
બાતમીના આધારે બોપલ પોલીસ સાથે સંયુક્ત રેડ
અમદાવાદ ગ્રામ્ય એસઓજીની ટીમને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે, ઘુમા બ્રિજ પાસે આવેલા સૂર્યાનગરમાં એક વ્યક્તિ નશીલા પદાર્થનું વેચાણ કરી રહ્યો છે. આ બાતમીના આધારે બોપલ પોલીસને સાથે રાખીને સૂર્યાનગરમાં આવેલા મકાન પર રેડ કરવામાં આવી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસે મૂળ સુરેન્દ્રનગરના અને હાલ ઘુમા ખાતે રહેતા રાજુભાઈ સાપરા નામના આરોપીને દબોચી લીધો હતો.
રૂ. 11.70 લાખનો મુદ્દામાલ જપ્ત, FSL તપાસમાં મોટો ખુલાસો
પોલીસે આરોપીના ઘરમાંથી 331 ગ્રામ શંકાસ્પદ પદાર્થ જપ્ત કર્યો હતો, જેની FSL તપાસ કરાવતા તે પ્રતિબંધિત હાઇબ્રીડ ગાંજો હોવાનું સત્તાવાર રીતે બહાર આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય કક્ષાના હાઇબ્રીડ ગાંજાની અંદાજિત કિંમત 11.58 લાખ આંકવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે આરોપી પાસેથી બે મોબાઈલ ફોન, રોકડ રકમ અને ડ્રગ્સ જોખવા માટેનો વજન કાંટો મળીને કુલ 11.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ, એક સાગરિત વોન્ટેડ
આ હાઇબ્રીડ ગાંજાના નેટવર્કમાં વધુ એક અજાણ્યો સાગરિત સંડોવાયેલો હોવાનું ખુલ્યું છે, જેને પોલીસે વોન્ટેડ જાહેર કરીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સમગ્ર મામલે બોપલ પોલીસે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ હાઇબ્રીડ ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને અમદાવાદમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો - NEET Result 2026: અમદાવાદના 3 વિદ્યાર્થીઓ દેશના ટોપ 30માં, સેમુન ભાટિયા 25મા ક્રમે