મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે લેવાયેલી દેશની સૌથી પ્રતિષ્ઠિત NEET પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. આ પરિણામમાં અમદાવાદના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે ઝળહળતી સફળતા મેળવીને શહેર અને રાજ્યનું નામ રોશન કર્યું છે. દેશભરના લાખો વિદ્યાર્થીઓ વચ્ચે કાંટાની ટક્કરમાં અમદાવાદના ત્રણ વિદ્યાર્થીઓએ ઓલ ઈન્ડિયા લેવલે ટોપ 30માં પોતાનું સ્થાન સુનિશ્ચિત કર્યું છે.
20 લાખમાંથી 11.21 લાખ વિદ્યાર્થીઓ થયા ક્વોલિફાય
આ વર્ષે યોજાયેલી NEET પરીક્ષામાં દેશભરમાંથી અંદાજે 20 લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી સખત મહેનતના અંતે 11.21 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરવામાં સફળ રહ્યા છે. આટલી મોટી સંખ્યામાં હરીફાઈ હોવા છતાં, અમદાવાદના કેન્દ્રો પરથી પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પર્ફોર્મન્સ આપીને મેડિકલ ક્ષેત્રે આગળ વધવા તરફ મજબૂત કદમ વધાર્યા છે.
ઓલ ઈન્ડિયા રેન્કિંગમાં સેમુન, શૌર્ય અને અક્ષિતનો દબદબો
અમદાવાદના જે ત્રણ વિદ્યાર્થીઓએ ટોપ 30માં સ્થાન મેળવ્યું છે, તેમના નામ અને રેન્કિંગે દરેક અમદાવાદીને ગૌરવ અપાવ્યું છે
- સેમુન ભાટિયા: ઓલ ઈન્ડિયા લેવલે 25મો રેન્ક મેળવીને શહેરમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
- શૌર્ય પટેલ: સેમુનથી સહેજ જ પાછળ રહીને દેશભરમાં 26મો રેન્ક હાંસલ કર્યો છે.
- અક્ષિત ગૌર: અદભુત પ્રદર્શન સાથે ઓલ ઈન્ડિયા 30મો રેન્ક પોતાના નામે કર્યો છે.
મણિનગરના સ્પંદન ઠક્કરે પણ મેળવી મોટી સફળતા
ટોપ 30 ઉપરાંત પણ અમદાવાદના અનેક વિદ્યાર્થીઓએ પ્રશંસનીય સ્કોર મેળવ્યો છે. જેમાં શહેરના મણિનગર વિસ્તારમાં રહેતા સ્પંદન ઠક્કરે પણ પોતાની પ્રતિભા સાબિત કરી છે. સ્પંદન ઠક્કરે રાષ્ટ્રીય સ્તરે ઓલ ઈન્ડિયા 381મો રેન્ક પ્રાપ્ત કરીને પરિવાર અને સમગ્ર વિસ્તારનું ગૌરવ વધાર્યું છે. પરિણામ જાહેર થતાં જ સફળ વિદ્યાર્થીઓના ઘરોમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો - Gandhinagar News: ખેડૂતો અને જમીન માલિકો માટે ઐતિહાસિક નિર્ણય, 75 વર્ષ જૂના 'ટુકડા ધારા'માં સુધારાને રાષ્ટ્રપતિની મંજૂરી