ગુજરાતના લાખો ખેડૂતો અને જમીન માલિકો માટે એક ખૂબ જ મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. 75 વર્ષ જૂના 'ટુકડા ધારા-1947' એટલે કે Fragmentation Act 1947 માં કરવામાં આવેલા મહત્વપૂર્ણ સુધારાઓને રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ દ્વારા ઔપચારિક મંજૂરી આપી દેવામાં આવી છે. વર્ષો જૂના કાયદામાં આ સુધારો થવાથી રાજ્યમાં જમીન સંબંધી અનેક અટવાયેલા પ્રશ્નોનો કાયમી અંત આવશે.
પેનલ્ટી વિના નિયમિત થશે ટુકડા ધારાના ભંગ
આ નવા સુધારા મુજબ, રાજ્યમાં વર્ષ 1948 થી લઈને આજ દિન સુધી ટુકડા ધારાના જેટલા પણ ભંગ થયા છે, તેને કોઈપણ પ્રકારની પેનલ્ટી કે દંડ વિના વિનિયમિત કરવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયને કારણે વર્ષોથી કોર્ટ-કચેરી અને જમીન સંબંધી વિવાદોમાં ખેડૂતો અને જમીન ધારકોનો જે નાણાં અને સમયનો જંગી વ્યય થતો હતો તે હવે કાયમી ધોરણે અટકી જશે.
સમગ્ર રાજ્યમાં 10 ગુંઠાનો એકસમાન નિયમ લાગુ
અત્યાર સુધી જમીનની લે-વેચમાં સ્થાનિક સ્તરે અનેક ગૂંચવાડાઓ ઊભા થતા હતા અને નિયમોમાં વિસંગતતા હતી, પરંતુ હવે સરકારે સમગ્ર રાજ્ય માટે 10 ગુંઠાનો એકસમાન નિયમ લાગુ કરી દીધો છે. આ સાથે જ, સૌથી મોટી રાહત એ છે કે, રાજ્યના તમામ શહેરી વિસ્તારોને ટુકડા ધારાની અસરમાંથી સંપૂર્ણપણે મુક્ત કરી દેવામાં આવ્યા છે, જેથી શહેરી વિસ્તારોમાં વિકાસના કામોને નવો વેગ મળશે.
જમીન લે-વેચ, NA અને બાંધકામની પ્રક્રિયા બનશે ઝડપી
ટુકડા ધારામાં આ મહત્વપૂર્ણ સુધારાઓ અમલમાં આવતા હવે ખેતીની જમીનની લે-વેચ અત્યંત સરળ અને પારદર્શક બની જશે. આ ઉપરાંત, જમીનને બિનખેતી કરાવવાની પ્રક્રિયા અને તેના પર બાંધકામની મંજૂરી મેળવવાની પ્રક્રિયા પણ વધુ ઝડપી બનશે. આ ક્રાંતિકારી નિર્ણયથી રાજ્યના રિયલ એસ્ટેટ સેક્ટર, ખેડૂતો અને સામાન્ય જમીન ખરીદનારાઓને સીધો અને મોટો ફાયદો થશે.
આ પણ વાંચો - Gandhinagarના 22 ગામોના લોકોને મળશે શુદ્ધ પાણી, મનપા પાણીની ટાંકીઓમાં લગાવશે ‘ઓટો ડોઝિંગ સિસ્ટમ’