અમદાવાદ શહેરમાં નાગરિકતા સંશોધન કાયદા (CAA) હેઠળ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાના એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 13 ઓક્ટોબરે સોલા ખાતે આવેલા સાલ ઇન્સ્ટિટ્યૂટના પરિસરમાં આ ભવ્ય પ્રમાણપત્ર વિતરણ સમારોહ યોજાશે, જ્યાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહીને શરણાર્થીઓને નાગરિકતાના પ્રમાણપત્રો એનાયત કરશે.

CAA અંતર્ગત અને કલેક્ટર કચેરી દ્વારા નાગરિકતા એનાયત

મળતી માહિતી મુજબ, આ વિશેષ અભિયાન અંતર્ગત કુલ 158 શરણાર્થીઓને ભારતીય નાગરિકતા મળવા જઈ રહી છે. જેમાં કેન્દ્રીય નાગરિકતા સંશોધન કાયદા (CAA) અંતર્ગત સીધી રીતે 126 લોકોને નાગરિકતા આપવામાં આવશે, જ્યારે બાકીના 32 લોકોને કલેક્ટર કચેરી મારફતે કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને નાગરિકતાના પ્રમાણપત્રો સોંપવામાં આવશે. લાંબા સમયથી ભારતીય નાગરિકતાની રાહ જોઈ રહેલા પરિવારો માટે આ એક અત્યંત ખુશીનો અવસર છે.

વર્ષ 2017 થી 2025 દરમિયાન 1200 થી વધુ શરણાર્થીઓને મળી નાગરિકતા

ગુજરાતમાં પાકિસ્તાન અને અન્ય પાડોશી દેશોમાંથી આવેલા હિન્દુ તથા અન્ય અલ્પસંખ્યક શરણાર્થીઓને કાયદેસર રીતે ભારતીય નાગરિકતા આપવાની આ પ્રક્રિયા સતત ચાલુ રહી છે. સરકારી આંકડાઓ અનુસાર, વર્ષ 2017 થી 2025 ના સમયગાળા દરમિયાન રાજ્યમાં અત્યાર સુધીમાં 1200 થી વધુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા એનાયત કરવામાં આવી ચૂકી છે, જેનાથી તેઓ સન્માનજનક જીવન જીવી શકે.


આ પણ વાંચો: Ahmedabad News: આંતરજિલ્લા વાહનચોરી ગેંગનો પર્દાફાશ, 11 બાઈક સાથે 3 આરોપીઓને દબોચ્યા