ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના વધતા કેસોને પગલે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ વાયરસની વર્તમાન સ્થિતિ અંગે સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના કુલ 32 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. આ પૈકી પંચમહાલના ગોધરામાં જ ચાંદીપુરા વાયરસના બે કન્ફર્મ કેસ નોંધાયા છે. અત્યાર સુધી લેબોરેટરી ટેસ્ટમાં પોઝિટિવ આવેલા 7 દર્દીઓમાંથી 3 દર્દીઓના કરુણ મોત નીપજ્યા છે, જેને પગલે સમગ્ર રાજ્યમાં ચિંતાનો માહોલ છે.

માસૂમ બાળકીમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો 

બીજી તરફ, અરવલ્લી જિલ્લામાં પણ ફરી એકવાર ચાંદીપુરા વાયરસનો ભય વ્યાપી ગયો છે. અરવલ્લીના મેઘરજ તાલુકાના જાલમપુર ગામની એક 2 વર્ષીય માસૂમ બાળકીમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો દેખાતા જ સ્થાનિક તંત્ર દોડતું થયું છે. બાળકીની તબિયત વધુ લથડતા તેને સઘન સારવાર અર્થે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે. આ કેસના પગલે અરવલ્લી જિલ્લાનું આરોગ્ય તંત્ર હાઈ એલર્ટ મોડ પર મૂકાયું છે અને સંભવિત ફેલાવાને રોકવા માટે હાઈ રિસ્ક વિસ્તારોમાં તાત્કાલિક અસરથી સર્વેલન્સ અને સઘન ડસ્ટિંગ ની કામગીરી શરૂ કરી દેવાઈ છે.

આ રોગની કોઈ ચોક્કસ રસી ઉપલબ્ધ નથી

આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ નાગરિકોને સાવચેત રહેવા ખાસ અપીલ કરતા સ્પષ્ટ કર્યું છે કે, આ રોગ ખાસ પ્રકારની માખી (સેન્ડ ફ્લાય) ના કરડવાથી જ ફેલાય છે. આ રોગની કોઈ ચોક્કસ રસી ઉપલબ્ધ નથી, માત્ર લક્ષણો આધારિત (સિમ્પ્ટોમેટિક) સારવાર જ કરવામાં આવે છે. 

 અફવાઓથી દૂર રહેવા અપીલ

મંત્રીએ નાગરિકોને પોતાના ઘરની દીવાલોની તિરાડો પૂરી રાખવા અને અસરગ્રસ્ત વિસ્તારોમાં માખીઓનો ઉપદ્રવ અટકાવવા માટે માર્ગદર્શન આપ્યું છે. તંત્ર દ્વારા તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં માલથિયોન પાવડર અને એન્ટી-લાડવા દવાઓનો છંટકાવ યુદ્ધના ધોરણે શરૂ કરાયો છે. સરકારે લોકોને કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા અને લક્ષણો દેખાતા જ તુરંત નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવા જણાવ્યું છે. 


આ પણ વાંચો :    Sandesh Indepth : ચોમાસું ખોટકાયું, ગુજરાતમાં ગત વર્ષ કરતાં અડધો જ વરસાદ; 24.64% સાથે ખેડૂતો ચિંતિત, જળસંકટની ભીતિ!