અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં જગતપુર ખાતે આવેલી 'સેરેનીટી સ્પેસ સોસાયટી'માં ઘરઘાટી દ્વારા જ માલિકના ઘરમાં મોટી ચોરી આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. સોસાયટીમાં રહેતા યતીન મેવાડાના ઘરમાં ઘરકામ માટે રાખવામાં આવેલા સુનિલ લીલારામ કલાસવા નામના શખ્સે માલિકની ગેરહાજરીનો લાભ ઉઠાવી કબાટ તોડી નાખ્યું હતું.

ચાંદખેડાના જગતપુરમાં ફ્લેટમાંથી ઘરઘાટી ચોરી કરી ફરાર

સુનિલે કબાટના લોકરમાં રાખેલી રોકડ રકમ તેમજ રૂ. 15.30 લાખની કિંમતના સોનાના દાગીના અને રૂ. 5.20 લાખની કિંમતના ચાંદીના દાગીના પર હાથફેરો કર્યો હતો. ફરિયાદ મુજબ ચોરાયેલા કુલ મુદ્દામાલની કિંમત આશરે રૂ. 27.50 લાખ થવા જાય છે.આ ચોરીના કૌભાંડમાં સુનિલ લીલારામ કલાસવા સાથે તેના બનેવી રાજુનું નામ પણ સામે આવ્યું છે. ઘરમાલિકે તપાસ કરતાં સોસાયટીના CCTV ફૂટેજમાં સુનિલ અને તેનો બનેવી રાજુ હાથમાં થેલીઓ લઈને ફ્લેટમાંથી ઉતાવળે બહાર નીકળતા સ્પષ્ટપણે કેદ થયેલા મળી આવ્યા હતા.

ચાંદખેડા પોલીસે હાથ ધરી તપાસ

ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી સુનિલે પોતાના બંને મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી દીધા હતા અને બનેવી સાથે ફરાર થઈ ગયો હતો. ઘટના અંગે યતીન મેવાડાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચાંદખેડા પોલીસની ટીમે CCTV ફૂટેજ અને ટેકનિકલ ટ્રેકિંગના આધારે બંને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે સર્ચ ઓપરેશન તેજ કર્યું છે.

આ પણ વાંચો: Gir Somnath: ભગવાના અપમાન સામે સંતો આક્રમક, કલેક્ટરને આવેદન પાઠવી FIR ની માગ