અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સગીરાની સુરક્ષા અને શોષણનો એક શરમજનક બનાવ સામે આવ્યો છે. ચાંગોદર વિસ્તારમાં રહેતી એક અલ્પોવયી સગીરાને તેના જ પરિચિત શખ્સે બ્લેકમેઇલ કરીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. આરોપી સગીરાને સમાજમાં બદનામ કરી દેવાની સતત ધમકીઓ આપતો હતો અને તેના ઘર નજીક આવેલ ફોઈના મકાનમાં જ્યારે કોઈ હાજર ન હોય ત્યારે ત્યાં બોલાવીને છેલ્લા ચારથી પાંચ મહિનાથી અવારનવાર તેની સાથે કાળું કૃત્ય આચરતો હતો.
સગીરાને બદનામ કરવાની ધમકી આપી દુષ્કર્મ
સગીરા શરૂઆતમાં બદનામીના ડરથી આ શરમજનક ત્રાસ મૌન રહીને સહન કરી રહી હતી. જોકે, આરોપીની વિકૃત હરકતો અને ધમકીઓ વધતાં અંતે કંટાળેલી સગીરાએ હિંમત ભેગી કરીને પોતાની માતાને સમગ્ર બનાવની આપવીતી જણાવી હતી. આ અંગે પરિવારે તુરંત ચાંગોદર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ચાંગોદર પોલીસે ગુનાની ગંભીરતા સમજી ત્વરિત ટીમો બનાવી ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
