રાજકોટ ગ્રામ્ય પોલીસે ગુનાખોરી અને વ્યાજખોરી સામે એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે. પોલીસની ટીમે રાજકોટ શહેર અને અમદાવાદ ખાતેથી બે ગેરકાયદે કોલ સેન્ટર ઝડપી પાડ્યા છે. આ કોલ સેન્ટરના માધ્યમથી નિર્દોષ ખેડૂતોને આર્થિક ફસાણમાં ફસાવીને તેમની કરોડો રૂપિયાની કિંમતી જમીનો પચાવી પાડવાનું મોટું કૌભાંડ આચરવામાં આવી રહ્યું હતું, જેનો પર્દાફાશ થતાં સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ છે.

વ્યાજની જાળમાં ફસાવી ખેડૂતોની જમીન પડાવવાનું કાળું કારસ્તાન

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, આ કુખ્યાત કોલ સેન્ટર અલ્પેશ દોંગા અને અક્ષીત અકબરી ઉર્ફે હેપ્પી પટેલ દ્વારા સંચાલિત કરવામાં આવતા હતા. આરોપીઓ રાજકોટ ગ્રામ્ય વિસ્તારના અસંખ્ય ખેડૂતોને નજીવી રકમ વ્યાજ પર આપતા હતા અને બદલામાં તેમની કરોડો રૂપિયાની જમીન અન્ય વ્યક્તિઓના નામે કરાવી લેતા હતા. ખેડૂતો જ્યારે પોતાની જમીન પરત મેળવવા જતા ત્યારે તેમની પાસેથી અગાઉ લીધેલી રકમ કરતા અનેકગણી વધુ રકમ વસૂલવામાં આવતી હતી. ખેડૂતોની અજ્ઞાનતા અને લાચારીનો લાભ લઈને ચાલતું આ શોષણ રેકેટ ખૂબ જ મોટું હતું.

Rajkot News: Police Busted Two Call Centres: Land Scam Targeting Farmers Exposed

વિવિધ નામે ચાલતી પેઢીઓ અને મહિલાઓ દ્વારા થતો સંપર્ક

આરોપીઓ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંજામ આપવા માટે 'શ્રી અષ્ટલક્ષ્મી લોન હાઉસ', 'ગીતા ચેરિટેબલ ટ્રસ્ટ' અને 'પટેલ ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ' જેવી વિવિધ પેઢીઓ ચલાવવામાં આવતી હતી. તેઓ પોતાના સાયબર એક્સપર્ટ મિત્રની મદદથી મહિલાઓનો સંપર્ક કરી કોલ સેન્ટરમાં કામ કરાવતા હતા. રાજકોટ શહેરના કોલ સેન્ટર પર દરોડા પાડતા ત્યાં 14 જેટલી મહિલાઓ કામ કરતી મળી આવી હતી. તપાસ દરમિયાન ત્યાંથી રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, અમદાવાદ, બનાસકાંઠા અને મહેસાણા સહિતના 32 જેટલા ખેડૂતોના 7/12, 8-અ, હક્ક પત્રક, બોજો પત્રક તેમજ ઓળખ દસ્તાવેજોની નકલો મળી આવી છે.

Rajkot News: Police Busted Two Call Centres: Land Scam Targeting Farmers Exposed

આરોપીઓ સામે કાયદેસરની સખત કાર્યવાહી શરૂ

મુખ્ય આરોપી અલ્પેશ દોંગા વિરુદ્ધ અગાઉથી જ રાજકોટ શહેરમાં 7 અને રાજકોટ ગ્રામ્યમાં 6 સહિત કુલ 13 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. હાલ અલ્પેશ દોંગા જેલમાં બંધ હોય, પોલીસ દ્વારા કાનૂની પ્રક્રિયા હાથ ધરી તેનો કોર્ટના માધ્યમથી કબજો મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સાથે જ આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપી હિરેન લુણાગરિયાની ધરપકડ કરી લેવામાં આવી છે, અને સમગ્ર નેટવર્કને નેસ્તોનાબૂદ કરવા માટે પોલીસ દ્વારા સઘન તપાસ ચલાવવામાં આવી રહી છે.


આ પણ વાંચો: Rajkotના મેટોડામાં જ્યોતિ સીએનસી કંપનીમાં લાગી ભીષણ આગ: ફાયર બ્રિગેડે મેળવ્યો કાબૂ