બાળકનો જન્મ સમય કરતાં વહેલો થાય, ત્યારે માતા-પિતા માટે માત્ર બાળકનું વજન અને સામાન્ય સ્વાસ્થ્ય જ નહીં, પરંતુ તેની આંખોની રોશનીની કાળજી રાખવી પણ અત્યંત આવશ્યક છે. અધૂરા મહિને જન્મેલા બાળકોમાં ROP એટલે કે 'રેટિનોપેથી ઓફ પ્રિ-મેચ્યોરિટી' (Retinopathy of Prematurity) નામની ગંભીર બીમારીનું જોખમ રહેલું છે. આ બીમારીમાં આંખના પડદા (રેટિના) ની રુધિરવાહિનીઓનો વિકાસ અધૂરો રહી જાય છે, અને જો સમયસર યોગ્ય સારવાર ન મળે તો નવજાત બાળક કાયમી અંધત્વનો શિકાર બની શકે છે.
અમદાવાદ સિવિલ મેડિસિટીમાં પોણા ત્રણ વર્ષમાં 6,111 બાળકોનું સ્ક્રીનિંગ
અમદાવાદ સિવિલ મેડિસિટી અંતર્ગત આવેલી સરકારી આંખની હોસ્પિટલમાં પ્રિ-મેચ્યોર બાળકોની આંખોની સંભાળ માટે વિશેષ કામગીરી કરવામાં આવી રહી છે. ઉપલબ્ધ આંકડા મુજબ, વર્ષ 2024 થી 2026 દરમિયાન પોણા ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં કુલ 6,111 બાળકોની ROP તપાસ (સ્ક્રીનિંગ) કરવામાં આવી છે. આ દરમિયાન જરૂરિયાતમંદ બાળકોને સમયસર સારવાર પૂરી પાડવામાં આવી છે, જેમાં 67 બાળકોને લેસર સારવાર અને 556 બાળકોને ઇન્ટ્રાવિટ્રિઅલ ઇન્જેક્શન આપવામાં આવ્યાં છે. વર્ષવાર આંકડા પર નજર કરીએ તો, વર્ષ 2024માં 2,256, વર્ષ 2025માં 2,399 અને વર્ષ 2026માં અત્યાર સુધીમાં 1,456 બાળકોનું સ્ક્રીનિંગ કરાયું છે.
કયા બાળકોમાં જોખમ સૌથી વધુ રહે છે?
અમદાવાદ સિવિલ હોસ્પિટલના એસોસિયેટ પ્રોફેસર વિપુલ પ્રજાપતિ જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે 34 અઠવાડિયા પહેલાં જન્મેલા, બે કિલોગ્રામથી ઓછું વજન ધરાવતા અને NICU (નવજાત બાળકના સઘન સારવાર વિભાગ) માં સારવાર લેતા બાળકોમાં ROPનું જોખમ સૌથી વધુ રહે છે. ખાસ કરીને જે બાળકોને ઓક્સિજન આપવાની જરૂર પડી હોય, એન્ટિબાયોટિક્સ કે લોહી ચડાવવું પડ્યું હોય તેમની આંખોની તપાસ સમયસર કરાવવી અનિવાર્ય છે. તાજેતરમાં જ માત્ર 29 અઠવાડિયે 700 ગ્રામ વજન સાથે જન્મેલા એક નવજાત બાળકની સમયસર લેસર સારવાર કરીને તેની દૃષ્ટિ બચાવવામાં સફળતા મળી છે, જે સમયસરના નિદાનનું મહત્ત્વ સમજાવે છે.

માતા-પિતા માટે ખાસ સલાહ, સમયસર તપાસ જ બચાવ છે
વિશ્વભરમાં દર વર્ષે લાખો બાળકો અધૂરા મહિને જન્મે છે. ROPની બીમારીની શરૂઆતમાં બાળકની આંખો બહારથી સામાન્ય દેખાતી હોવાથી વાલીઓ ઘણીવાર બેદરકાર રહે છે, જે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તબીબો સ્પષ્ટ સલાહ આપે છે કે, પ્રિ-મેચ્યોર બાળકના જન્મ બાદ તેની આંખનું સ્ક્રીનિંગ અને ડૉક્ટરના સૂચન મુજબ ફોલોઅપ અચૂક કરાવવું જોઈએ. જાગૃતિ અને સમયસરની સારવારથી જ નાનકડા બાળકોને કાયમી અંધત્વથી બચાવી શકાય છે.
આ પણ વાંચો: Gujarat Congress: ગુજરાતમાં કોંગ્રેસ હાઈકમાન્ડ સક્રિય, પ્રભારી રણદીપ સુરજેવાલા બે દિવસીય ગુજરાત પ્રવાસે