આગામી રાજકીય ગતિવિધિઓ અને ચૂંટણી રણનીતિને ધ્યાનમાં રાખીને ગુજરાત કોંગ્રેસ સક્રિય મોડમાં આવી ગઈ છે. કોંગ્રેસ પાર્ટીના ગુજરાત પ્રભારી રણદીપ સુરજેવાલા આગામી 18 અને 19 નવેમ્બરના રોજ બે દિવસીય મહત્વના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેમના આ પ્રવાસ દરમિયાન રાજ્યમાં રાજકીય હલચલ તેજ થવાની પૂરી સંભાવના છે.
18 નવેમ્બરે અમદાવાદ આગમન અને પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠક
કાર્યક્રમની વિગતો મુજબ, પ્રભારી રણદીપ સુરજેવાલા 18 નવેમ્બરના રોજ બપોરે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. એરપોર્ટ પર આગમન બાદ તેઓ સીધા જ પાર્ટીની મહત્વની બેઠકોમાં જોડાશે. તે જ દિવસે તેઓ 'પોલિટિકલ અફેર્સ કમિટી' (PAC) ની બેઠક યોજશે, જેમાં રાજ્યના રાજકીય હાલાત અને આગામી આયોજનો અંગે મંથન કરવામાં આવશે.

19 નવેમ્બરે શહેર-જિલ્લા પ્રમુખો અને પૂર્વ ધારાસભ્યો સાથે મંથન
પ્રવાસના બીજા દિવસે એટલે કે 19 નવેમ્બરના રોજ રણદીપ સુરજેવાલા દ્વારા વિવિધ પદાધિકારીઓ સાથે બેઠકોનો દોર ચાલુ રહેશે. તેઓ શહેર અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખો સાથે બેઠક યોજીને જમીની સ્તરની સ્થિતિની સમીક્ષા કરશે. આ ઉપરાંત, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો સાથે પણ વિશેષ બેઠક યોજવામાં આવશે, જેમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા અને રણનીતિ ઘડવા પર ભાર મૂકવામાં આવશે.
રાજકીય પક્ષો દ્વારા આગામી સમયના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે કોંગ્રેસ પ્રભારીનો આ પ્રવાસ અત્યંત મહત્વનો સાબિત થશે.
આ પણ વાંચો: Surat સિવિલ હોસ્પિટલની લોકઉપયોગી પહેલ, હવે રિપોર્ટ સીધા જ વોટ્સએપ પર મળશે!