અમદાવાદ જિલ્લામાં આરોગ્ય અને પ્રવાસન તેમજ માળખાગત સુવિધાઓમાં વધારો કરતાં બે મહત્ત્વનાં વિકાસકામોને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી છે. આ પ્રજાલક્ષી નિર્ણયથી દસક્રોઈ તાલુકામાં હોસ્પિટલ માટે અને ધોળકા તાલુકામાં હેલિપેડ માટે સરકારી જમીનની ફાળવણીને મંજૂરી આપવામાં આવી છે.
દસક્રોઈ તાલુકાના વસઈ ખાતે જમીન ફાળવણી
જે અંતર્ગત મુખ્યમંત્રી દ્વારા દસક્રોઈ તાલુકાના વસઈ ખાતે કુલ ૪,૦૫,૫૨૦ ચો.મી. જમીન આરોગ્યલક્ષી સુવિધાઓ માટે તેમજ ૩૦૦ બેડની હોસ્પિટલ બનાવવાના હેતુ માટે ફાળવવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે. જેના થકી અમદાવાદ જિલ્લામાં અસારવા સિવિલ ખાતેની ૧૨૦૦ બેડ હોસ્પિટલ સિવાય આ પ્રકારની સગવડ ધરાવતી વિશાળ હોસ્પિટલ અને આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ થશે.
લોથલ ખાતે નેશનલ મેરિટાઇમ મ્યુઝિયમનું નિર્માણ થઈ રહ્યું છે
આ હોસ્પિટલના નિર્માણથી દસક્રોઈ અને આસપાસના તાલુકાના નાગરિકોને વિવિધ બીમારીઓની સારવાર નજીકના સ્થળે જ ઉપલબ્ધ થશે. જિલ્લાના નાગરિકોના આરોગ્ય અને સુખાકારી અર્થે જમીન ફાળવણીને મંજૂરી આપતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ણયને જિલ્લાવાસીઓએ આવકાર્યો છે. આ ઉપરાંત, લોથલ ખાતે નેશનલ મેરિટાઇમ મ્યુઝિયમનું નિર્માણ થઈ રહ્યું છે, જેના માટે રાજ્ય સરકારે ૩૭૫ એકર જમીન પણ ફાળવી છે. ત્યારે ધોળકા તાલુકાના ઉતેલિયા ખાતે સરકારી ખરાબાની ૫૪,૮૩૩ ચો.મી. જમીન પૈકી ૨૫,૦૦૦ ચો.મી જમીન લોથલ ખાતે હેલિપેડ બનાવવા માર્ગ અને મકાન વિભાગને ફાળવવાનો નિર્ણય લેવાયો છે.
જિલ્લામાં આકાર લઈ રહેલા વિશ્વ કક્ષાના પ્રવાસન સ્થળના નિર્માણમાં વેગ લાવશે
અત્રે ઉલ્લેખનીય છે કે ઐતિહાસિક સિંધુ સંસ્કૃતિના સાક્ષી અને પ્રાચીન ગુજરાતના મહત્ત્વના બંદર એવા લોથલમાં ભારતના ભવ્ય દરિયાઈ વારસાને દર્શાવતું ‘નેશનલ મેરિટાઈમ હેરિટેજ કૉમ્પ્લેક્સ’ (NMHC) નિર્માણ પામી રહ્યું છે. ગુજરાતની પ્રાચીન ધરોહરનું મહત્ત્વનું સ્થળ લોથલ એક મોટા પરિવર્તનનું સાક્ષી બનવા જઈ રહ્યું છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ધોળકા તાલુકામાં હેલિપેડ માટે સરકારી જમીનની ફાળવણીને મંજૂરી આપવાનો નિર્ણય અમદાવાદ જિલ્લામાં આકાર લઈ રહેલા વિશ્વ કક્ષાના પ્રવાસન સ્થળના નિર્માણમાં વેગ લાવશે.
વિકાસગાથામાં વધુ પ્રજાલક્ષી પ્રકલ્પોનો ઉમેરો થશે
મેરિટાઇમ હેરિટેજ ટુરિઝમ, સંશોધન અને નીતિગત વિકાસમાં ભારતને એક વૈશ્વિક કેન્દ્ર બનાવવાના વડાપ્રધાનશ્રીના ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને સાકાર કરવાની દિશામાં મહત્વનું સાબિત થશે. આમ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અમદાવાદ જિલ્લાનાં આરોગ્ય અને પ્રવાસન તેમજ માળખાગત વિકાસકાર્યોને બહાલી મળતાં જિલ્લાની વિકાસગાથામાં વધુ પ્રજાલક્ષી પ્રકલ્પોનો ઉમેરો થશે.













