મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરહદી જિલ્લા બનાસકાંઠાના ડીસા તાલુકાના માણેકપુરા ગામમાં વિકાસના કામોને પ્રાધાન્ય આપીને મહત્વનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીશ્રીએ માણેકપુરા ખાતે સર્વે નંબર ૩૯૦ની અંદર ૧૦,૦૦૦ ચોરસ મીટર જમીન સરકારી માધ્યમિક શાળાના બાંધકામ અને રમત ગમતના મેદાન માટે ફાળવવાની મંજૂરી આપી છે.
મુખ્યમંત્રીના આ નિર્ણયથી ગામ લોકોમાં આનંદની લાગણી
મુખ્યમંત્રી દ્વારા જમીન ફાળવાતા અહીં આધુનિક સુવિધાઓથી સજ્જ માધ્યમિક શાળાનું બાંધકામ કરાશે જેથી આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓને પોતાના ગામમાં જ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહેશે. મુખ્યમંત્રીના આ નિર્ણયથી ગામ લોકોમાં આનંદની લાગણી છે અને તેમણે મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે.
માણેકપુરા ગામની વસ્તી ૩,૦૦૦થી વધુ છે
માધ્યમિક શાળાના આચાર્ય મુકેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, માણેકપુરા ગામની વસ્તી ૩,૦૦૦થી વધુ છે. વર્ષ ૨૦૨૪માં સરકારી માધ્યમિક શાળાના બાંધકામ માટે જમીન ફાળવણીની દરખાસ્ત કરવામાં આવી હતી. હાલ ધોરણ ૯ અને ૧૦માં કુલ ૧૧૬ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. નવી શાળા માટે જમીન ફાળવાતા અહીં સુવિધાઓથી સજ્જ કેમ્પસ બનશે જેનાથી માણેકપુરા ઉપરાંત લુણપુર, સંતોષી ગોળીયા અને ઠાકોરવાસ-ખરડોસણ ગામોના બાળકોને પણ ગામમાં જ અભ્યાસની સુવિધા મળશે અને તેમને શહેર જવાની જરૂર રહેશે નહીં.
વિદ્યાર્થીઓ રમત ગમત ક્ષેત્રે પણ આગળ વધશે
તેમણે ઉમેર્યું કે, મુખ્યમંત્રીના શિક્ષણ પ્રત્યેના હકારાત્મક અભિગમને કારણે અહીં આધુનિક સુવિધાઓથી યુક્ત કેમ્પસ વિકસાવવામાં આવશે જેમાં કમ્પ્યુટર લેબ, વિજ્ઞાન પ્રયોગશાળા, લાઈબ્રેરી તથા રમતગમત માટે મેદાન સહિતની સુવિધાઓનો સમાવેશ થશે. "રમશે ગુજરાત – જીતશે ગુજરાત"ના ધ્યેયને અનુરૂપ વિદ્યાર્થીઓ માટે રમત ગમતનું મેદાન બનાવવામાં આવશે જેથી વિદ્યાર્થીઓ રમત ગમત ક્ષેત્રે પણ આગળ વધશે.
વિદ્યાર્થીઓને ગુણવત્તાવાળું અને આધુનિક શિક્ષણ ઉપલબ્ધ થઈ રહ્યું છે
રાજ્યમાં મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે અનેક નિર્ણાયક વિકાસકાર્યો અમલમાં આવ્યા છે. શાળાઓ માટે નવીન ઓરડાઓ, સ્માર્ટ ક્લાસરૂમ, તાલીમ પ્રાપ્ત શિક્ષકોની ભરતી, શિષ્યવૃત્તિ જેવી અનેક યોજનાઓના અમલથી વિદ્યાર્થીઓને ગુણવત્તાવાળું અને આધુનિક શિક્ષણ ઉપલબ્ધ થઈ રહ્યું છે.