બિહારના પાટનગર પટના ખાતે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિતાનો ઉલ્લેખ કરીને કરવામાં આવેલી વિવાદાસ્પદ અને અભદ્ર ટિપ્પણીથી દેશભરના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે. પટનાથી દિલ્હી અને ગુજરાત સુધીના રાજકીય વર્તુળોમાં આ નિવેદન સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ અધ્યક્ષના આ વલણ સામે મોરચો ખોલી આકરા પ્રહારો કર્યા છે અને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે નીતિ અને વિકાસના મોરચે હાર ભાળી ગયેલી કોંગ્રેસ હવે વ્યક્તિગત ગાળાગાળી અને કનિષ્ઠ માનસિકતા પર ઉતરી આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર આકરી પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે પટનામાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા દેશના ચૂંટાયેલા વડાપ્રધાન વિરુદ્ધ કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણી અત્યંત દુર્ભાગ્યપૂર્ણ, શરમજનક અને સખત નિંદનીય છે. કોંગ્રેસ પાર્ટી વારંવાર સાબિત કરી ચૂકી છે કે જ્યારે તેઓ જમીની સ્તરે લોકકલ્યાણ, નીતિ કે વિકાસના મુદ્દાઓ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સામનો કરવામાં નિષ્ફળ જાય છે, ત્યારે તેઓ વ્યક્તિગત હુમલાઓ અને અભદ્ર ભાષાના સૌથી નીચલા સ્તર સુધી પહોંચી જાય છે.દેશની જનતા આવા ગંદી માનસિકતાવાળા રાજકારણને ક્યારેય સ્વીકારશે નહીં.

DyCM હર્ષ સંઘવીના રાહુલ ગાંધી અને ખડગે પર પ્રહાર

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના સંસ્કાર અને નેતૃત્વ પર ગંભીર સવાલો ઉઠાવ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પૂજ્ય પિતા વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણી કોંગ્રેસ પાર્ટીની ઘટતી જતી રાજકીય સંસ્કૃતિ અને પોકળ માનસિકતાનો જીવંત પુરાવો છે.હર્ષ સંઘવીએ જણાવ્યું કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસનું રાજકારણ હવે જનહિત અને દેશના મૂળ મુદ્દાઓથી ભટકીને માત્ર અંગત અપમાનો અને અભદ્ર ટીકાઓ સુધી સીમિત રહી ગયું છે. વડાપ્રધાન 1.4 અબજ ભારતીયોના જનાદેશ અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિનિધિત્વ કરે છે. જાહેર જીવનમાં વિચારધારાના મતભેદો હોઈ શકે છે, પરંતુ સંવાદની ગરિમા તોડવી એ દેશના લોકોનું અપમાન છે. જનતા આ અહંકારનો યોગ્ય સમયે કડક જવાબ આપશે.

પટનાના બાપુ ઓડિટોરિયમમાં શું બન્યું હતું?

25ઓક્ટોબરના રોજ પટનાના બાપુ ઓડિટોરિયમમાં બિહારના પ્રથમ મુખ્યમંત્રી ડૉ. શ્રીકૃષ્ણ સિંહની 139મી જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસનો એક મોટો કાર્યક્રમ યોજાયો હતો.સભાને સંબોધતી વખતે મલ્લિકાર્જુન ખડગે કેન્દ્ર સરકાર અને પીએમ મોદી પર પ્રહારો કરી રહ્યા હતા, ત્યારે સભામાંથી એક વ્યક્તિએ અવાજ ઉઠાવીને કહ્યું, "મોદી નહીં જાય."આ સાંભળી ખડગે અકળાઈ ઊઠ્યા હતા અને આવેશમાં આવીને વડાપ્રધાન મોદીના સ્વર્ગસ્થ પિતાનો ઉલ્લેખ કરી અભદ્ર ટિપ્પણી કરી દીધી હતી.આ નિવેદન બાદ સભામાં હાજર કોંગ્રેસ કાર્યકરોએ તે અવાજ ઉઠાવનાર વ્યક્તિને પકડીને માર મારતાં સ્થળ પર ભારે હોબાળો મચી ગયો હતો.

આ પણ વાંચો: Ahmedabad: જાપાન અને દક્ષિણ કોરિયાની મુલાકાત પૂર્ણ કરી નાયબ મુખ્યમંત્રી અમદાવાદ પરત, ઔદ્યોગિક ક્ષેત્રે નવા રોકાણની મોટી તકો ખૂલી