આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પૂર્વે રાજ્યમાં તોતિંગ વિદેશી રોકાણ (FDI) આકર્ષવા અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઔદ્યોગિક જોડાણ મજબૂત કરવાના આશય સાથે જાપાન અને દક્ષિણ કોરિયાના સફળ સત્તાવાર પ્રવાસે ગયેલા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથે અમદાવાદ પરત ફર્યા છે. આ આંતરરાષ્ટ્રીય મુલાકાત દરમિયાન બંને દેશોના અગ્રણી ઉદ્યોગપતિઓ, ગ્લોબલ ઇન્વેસ્ટર્સ અને ટેકનોલોજી કંપનીઓ સાથે શ્રેણીબદ્ધ બેઠકો યોજીને ગુજરાતમાં રોકાણની નવી તકો અને વ્યૂહાત્મક ભાગીદારી અંગે સકારાત્મક ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી.
ઓસાકાથી સિઓલ સુધી રોકાણકારો સાથે હાઈ-લેવલ બેઠકો
મુખ્ય શહેરોની મુલાકાત: નાયબ મુખ્યમંત્રીની આગેવાની હેઠળના પ્રતિનિધિમંડળે જાપાનના ઓસાકા, કોબે અને ટોક્યો તેમજ દક્ષિણ કોરિયાના દેગુ અને સિઓલ જેવા અગ્રણી ઔદ્યોગિક અને તકનીકી કેન્દ્રોની મુલાકાત લીધી હતી. સેમિકન્ડક્ટર, ઓટોમોબાઇલ, રિન્યુએબલ એનર્જી, લોજિસ્ટિક્સ અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં સંભવિત રોકાણકારોને ગુજરાતની ઉદ્યોગ-મૈત્રીપૂર્ણ નીતિઓ અને અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે માહિતી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિદેશી ઉદ્યોગ જગતના અગ્રણીઓને આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લેવા સત્તાવાર આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.
