ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના જગન્નાથ મંદિરે મહાઆરતીમાં સહભાગી થયા હતા.આ પ્રસંગે તેમણે રાજ્યના સૌ નાગરિકોની સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રભુને પ્રાર્થના કરી હતી. ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રાને લઈને સમગ્ર ગુજરાત પોલીસ તંત્ર હાઈ એલર્ટ મોડ પર આવી ગયું છે.રાજ્યભરમાં નીકળનારી તમામ રથયાત્રાઓ શાંતિપૂર્ણ અને ભક્તિસભર માહોલમાં સંપન્ન થાય તે માટે રાજ્ય પોલીસ વડા દ્વારા સુરક્ષા વ્યવસ્થાની સઘન સમીક્ષા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જન્મદિવસ પણ છે.
રથયાત્રાને લઈને મુખ્યમંત્રીનો સંદેશ
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે અષાઢી બીજના શુભ દિવસે ભગવાન શ્રી જગન્નાથજી નગરચર્યાએ નીકળીને સર્વ સમાજને સુખ,શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણના આશીર્વાદ આપે છે. તેમણે ભગવાન જગન્નાથને દરિદ્ર નારાયણ ગણાવતા કહ્યું કે,શ્રમિકો અને વંચિતો પ્રત્યેની કરુણા અને સેવાનો સંદેશ આપતી આ રથયાત્રા ભારતીય સંસ્કૃતિના સમરસતા અને માનવતાના મૂલ્યોને વધુ સુદ્રઢ કરે છે.તેમણે કહ્યું કે,જગન્નાથજીની રથયાત્રા ગુજરાતની ગૌરવશાળી પરંપરા, સાંસ્કૃતિક વિરાસત અને સામાજિક એકતાનું પ્રતીક છે.
