અરુણાચલ પ્રદેશના કુરુંગ કુમેય જિલ્લામાં રવિવારે અચાનક પૂર દરમિયાન ગુમ થયેલા ITBP ના 19 જવાનો તેમના બેઝ કેમ્પ પર પહોંચી ગયા છે. પૂર દરમિયાન ITBP પોસ્ટ ડૂબી ગઈ હતી અને નુકસાન થયું હતું. બધા 19 કર્મચારીઓ સુરક્ષિત છે અને તેમને કોઈ ગંભીર મેડિકલ સમસ્યા નથી. અરુણાચલ પ્રદેશમાં આ પરિસ્થિતિ વાદળ ફાટવા પછી બની છે. અચાનક થયેલા વરસાદને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. તેની અસર પડોશી આસામમાં પણ અનુભવાઈ રહી છે.

દામિન મુખ્યાલયના ADC પ્રાંજલ બોરા સમગ્ર બચાવ કામગીરીનું સંકલન કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ITBP કર્મચારીઓ પગપાળા પરત ફરી રહ્યા છે અને આજે દામિન મુખ્યાલય પહોંચવાની અપેક્ષા છે. સ્થાનિક ધારાસભ્ય પાની તારામ પૂરગ્રસ્ત દામિન અને પારસી પારલો સબડિવિઝનનું હવાઈ સર્વેક્ષણ કરશે. વહીવટીતંત્ર રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા માટે સખત મહેનત કરી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં અરુણાચલ પ્રદેશના ઓછામાં ઓછા ત્રણ જિલ્લાઓ પૂરની ઝપેટમાં આવ્યા છે. કુરુંગ કુમેય, કામલે અને પક્કે કેસંગ સૌથી વધુ પ્રભાવિત થયા છે.

આસામમાં પૂરથી હાલત ખરાબ

અરુણાચલ પ્રદેશની સરહદે આવેલા આસામમાં પણ પૂરની સ્થિતિ વધુ વણસી રહી છે. રાજ્યમાં પૂરના પહેલા મોજામાં મૃત્યુઆંક ચાર પર પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં 35,000 થી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે અને જો પડોશી અરુણાચલ પ્રદેશમાં વરસાદ ચાલુ રહે તો આ સંખ્યા વધી શકે છે. આસામ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (ASDMA) ના એક અધિકારીએ જણાવ્યું હતું કે, "પૂરથી 37,032 લોકો પ્રભાવિત થયા છે, જેમાં લખીમપુર સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લો રહ્યો છે, જેમાં 35,696 લોકો પ્રભાવિત થયા છે."

પૂરના પાણીએ છ જિલ્લાઓને અસર કરી છે: સોનિતપુર, દિબ્રુગઢ, લખીમપુર, ધેમાજી, જોરહાટ અને શિવસાગર. 12 રેવેન્યૂ સર્કલ અને 99 ગામો પાણીમાં ડૂબી ગયા છે.

આ પણ વાંચો: ચીન થયું હેરાન-પરેશાન! આ કામમાં ભારતથી કેવી રીતે રહી ગયું પાછળ?