ગાંધીનગરને અમદાવાદ એરપોર્ટ સાથે જોડતા માર્ગ પર ભાટ ચાર રસ્તા પરનો નવિન કેબલ સ્ટેડ ફ્લાય ઓવર બ્રિજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રવિવાર 5 જુલાઈ 2026ના રોજ વાહન વ્યવહાર માટે ખૂલ્લો મૂક્યો છે. રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ તથા મદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ ઔડા દ્વારા પચાસ-પચાસ ટકાની ભાગીદારીથી આ નવિન ફ્લાય ઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. રૂ.175 કરોડના અંદાજીત ખર્ચે નિર્માણ થયેલો 1.48 કિલોમીટરની લંબાઈ ધરાવતો આ કેબલ સ્ટેડ ફ્લાય ઓવર બ્રિજ રાજ્યના શહેરી વિસ્તારનો સૌ પ્રથમ કેબલ સ્ટેડ ફ્લાય ઓવર બ્રિજ છે.

ગાંધીનગર-અમદાવાદ તરફનો ટ્રાફિક બ્રિજ પરથી પસાર થશે

મુખ્યમંત્રીએ આ બ્રિજના લોકાર્પણ સાથે ગાંધીનગર-અમદાવાદ કોરિડોર પર કોબા સર્કલથી ભાટે સર્કલ વચ્ચે નર્મદા મુખ્ય કેનાલના હાલના 6 લેન બ્રિજનું ટ્વેલ્વ લેનમાં રૂપાંતર કરવાની કામગીરીનું પણ ખાતમૂર્હત કર્યુ હતું. ટ્રાફિક જામના કારણે બોટલનેકની સર્જાતી સ્થિતિના નિવારણ માટે કોબા સર્કલથી ભાટ સર્કલ વચ્ચેના હાલના બ્રિજની બંન્ને બાજુ ત્રણ-ત્રણ લેનના નવા બ્રિજના નિર્માણ માટે રૂ. 48 કરોડનો પ્રોજેક્ટ રાજ્ય સરકારે હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. આના પરિણામે સમગ્ર કોરિડોરમાં સતત છ લેનની ક્ષમતા જળવાઈ રહેશે અને ભવિષ્યના વધતા વાહન વ્યવહારને પણ સરળતાથી સંભાળી શકાશે. ગાંધીનર-કોબા-એરપોર્ટ રોડ અને એસ.પી. રિંગરોડ પર મળીને દરરોજ અંદાજે કુલ આશરે 1.93 લાખથી વધુ વાહનોની અવર-જવર રહે છે.

કુલ 6 લેન અલાયદા સર્વિસ રોડ પણ બનાવવામાં આવ્યા

ગાંધીનગર-એરપોર્ટ રોડ પર આવેલું ભાટ સર્કલ મુખ્ય જંકશન હોવાના કારણે ત્યાં વારંવાર ટ્રાફિક જામની સમસ્યા ઉભી થાય છે અને વાહન ચાલકોના સમય, ઈંધણ અને નાણાંનો વ્યય થાય છે. હવે, આ નવા કેબલ સ્ટેડ બ્રિજ કાર્યરત થવાથી એસ.પી. રિંગ રોડનો ટ્રાફિક બ્રિજની નીચેથી તેમજ અમદાવાદ-ગાંધીનગર તરફનો ટ્રાફિક બ્રિજ ઉપરથી એમ બે અલગ-અલગ સ્તરે સરળતાથી અવર-જવર કરી શકશે અને લોકોને ટ્રાફિક જામની સમસ્યામાંથી મૂક્તિ મળશે. એસ.પી. રિંગરોડ, બરોડા અને સુરત તરફ જતા વાહન ટ્રાફિકની સુગમતા માટે ત્રણ-ત્રણ એમ કુલ 6 લેન અલાયદા સર્વિસ રોડ પણ બનાવવામાં આવ્યા છે.


આ પણ વાંચોઃ Amreli Rain: અમરેલી જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિ, ખાંભામાં 8 અને રાજુલામાં 7 ઈંચ વરસાદ ખાબક્યો