અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનોને રોડ,ગટર અને પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવે છે.પરંતુ સ્માર્ટીસટી કે મેગાસિટીના રૂપાળા છોગાં ધારણ કરવાની ગુલબાંગ વચ્ચે શહેરમાં માત્ર ત્રણ માસના સમયમાં લોકોએ પ્રાથમિક સુવિધાને લઈ કુલ 247129 ફરિયાદ કરી છે.લોકો અલગ અલગ વોર્ડમાં ઉભરાતી ગટરો, ગટરના પાણી બેક મારવા તથા પાણી અને ગટરની લાઈનમાં લીકેજના કારણે પ્રદૂષિત પાણી આવવા જેવી વારંવારની સમસ્યાથી બાજ આવી ગયા છે.

પ્રાથમિક સુવિધા અંગે ફરિયાદ નોંધાવી

નોંધાવવામાં આવેલી કુલ 2.47 લાખ ફરિયાદો પૈકી 147659 ફરિયાદ તો માત્ર એન્જિનિયરિંગ વિભાગ માટે જ કરવામાં આવી હતી.નોંધપાત્ર બાબત એ છે કે શહેરના પોશ ગણાતા પશ્ચિમ,ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમના વોર્ડ વિસ્તારમાં રહેતા લોકો તરફથી કુલ મળીને 96702 ફરિયાદ કોર્પોરેશનમાં કરવામાં આવી હતી. કુલ 3089 ફરિયાદમાં એક વખત કામ થયા પછી ફરીથી ખોલવાની તંત્રને ફરજ પડી હતી.1 જૂન 2026થી 5 ઓગસ્ટ 2026 સુધીના સમયમાં શહેરના 48 વોર્ડમાં રહેતા લોકો તરફથી સી.સી.આર.એસ.મોબાઈલ એપ્લિકેશન દ્વારા રોડ,ડ્રેનેજ ઉપરાંત પાણી,સ્ટ્રીટ લાઈટ,સોલિડ વેસ્ટ,ગાર્ડન,હેલ્થ અને એન્જિનિયરીંગ વિભાગ દ્વારા આપવામાં આવતી પ્રાથમિક સુવિધા અંગે ફરિયાદ નોંધાવી હતી. 

પ્રી-મોન્સૂન અને મેન્ટેનન્સ કામગીરીની પોલ 

શહેરના 48 વોર્ડ પૈકી 20 વોર્ડમાં રહેતા નાગરિકો તરફથી સૌથી વધુ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.સમગ્ર શહેરમાં રોડ-રસ્તા અને સ્ટ્રીટ લાઈટો બંધ રહેવાની સમસ્યાથી લોકો ભારે ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે પણ નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ મેળવવા માટે કોર્પોરેશનના ચક્કર કાપવા પડી રહ્યા છે, જે તંત્રની પ્રી-મોન્સૂન અને મેન્ટેનન્સ કામગીરીની પોલ ખોલે છે.

આ પણ વાંચોઃ India News: બંગાળની ખાડીમાં પનામા બલ્ક કેરિયર જહાજ ડૂબ્યું, શોધખોળ માટે ICGએ મોકલ્યા 3 જહાજો