અમરેલીના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ તથા આક્રમક નેતા તરીકેની છાપ ધરાવતા વીરજી ઠુમ્મરનું ટૂંકી બીમારી બાદ અમરેલી ખાતે નિધન થયું છે.તેઓ વર્ષ 2004 થી 2009 દરમિયાન અમરેલીના સાંસદ અને 2017થી 2022 દરમિયાન લાઠી-બાબરા વિસ્તારના ધારાસભ્ય તરીકે સેવા આપી ચૂક્યા હતા તેમજ અનેક સહકારી સંસ્થાઓમાં પણ સક્રિય રહ્યા હતા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ તેમના નિધનથી શોકનું મોજું ફરી વળ્યું છે.
સહકાર ક્ષેત્રના અને જાગૃત જનપ્રતિનિધિ ગુમાવ્યા: કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશી
કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશીએ કહ્ચુઅમરેલીથી સંસદ તરીકે અને ધારાસભ્ય તરીકે કરેલું પ્રતિનિધિત્વ એવા લોક લાડીલા અને જનપ્રતિનિધિ તરીકે જેમની આગવી ઓળખ ઊભી કરી હતી તેવા સહકાર ક્ષેત્રના દિગ્ગજ નેતા વીરજીભાઈ ઠુમ્મરનું આજે દુઃખદ નિધન થયું છે.વીરજીભાઈ જાહેર જીવનના એવા વ્યક્તિ એ બહુ સ્પષ્ટતા સાથે પોતાના વિચારો સાથે હંમેશા સંસદમાં હોય કે વિધાનસભામાં હોય, હંમેશા લોકોના પ્રશ્નો માટે આક્રમકતાથી લડતા હતા અને રજૂ કરતા હતા.તેમણે હંમેશા ખેડૂતોના પ્રશ્ને ચિંતા વ્યક્ત કરી છે.કપાસના પ્રશ્નો હોય કે ખેડૂતનો ન્યાય હોય,ખેતી બચાવવાની વાત હોય કે પછી જાહેર જીવનના અન્ય લોકોની કોઈપણ પ્રકારની સ્થાનિક સમસ્યાઓ હંમેશા તેઓ અસરકારક રીતે રજૂ કરતા હતા.ઇફકો સહિત અનેક સહકારી ક્ષેત્રમાં પણ તેમનું આગવું યોગદાન હતું અને એમની ઓળખ હતી.એટલે માત્ર કોંગ્રેસ પક્ષને જ નુકસાન થયું છે એવું નથી.કોંગ્રેસ પક્ષની સાથે સાથે સૌરાષ્ટ્રે એક દિગ્ગજ નેતા ગુમાવ્યા છે અને ગુજરાતે પણ એક સહકાર ક્ષેત્રના અને જાગૃત જનપ્રતિનિધિ ગુમાવ્યા છે.
સૌરાષ્ટ્રનું એક લડાયક વ્યક્તિત્વ ગુમાવ્યું: પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણી
પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના નાના એવા વાવડી ગામમાં ખેડૂત પરિવારની અંદર ઉછરેલું એ બાળક જેને પંચાયતથી પાર્લામેન્ટ સુધી જાહેર જીવનના કાર્યકર્તા તરીકે અમુલ્ય યોગદાન આપ્યું છે. હંમેશા ગરીબ ગામડા અને ખેડૂતનો આક્રમકતાથી અવાજ બની એની વેદનાને વાચા આપવાનો જીવન દરમિયાન પ્રયાસ કર્યો છે. એવા પ્રખર ખેડૂત આગેવાન અને સહકારી આગેવાન વીરજીભાઈ ઠુમ્મરનો આજે જીવનદિપ બુજાયો છે.પ્રભુ એના આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના કરીએ છીએ. કોંગ્રેસે પક્ષના દિગ્ગજ નેતા ગુમાવ્યા છે. સૌરાષ્ટ્રનું એક લડાયક વ્યક્તિત્વ ગુમાવ્યું છે.
આક્રમક ચહેરાએ આજે અમારી વચ્ચેથી વિદાય લીધી: જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાત
અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દૂધાતે કહ્યું હતું કે, વીરજીભાઈ ઠુમ્મરનો એક નાનકડા એવા વાવડી ગામમાં જન્મ થયો હતો. તેમણે સરપંચથી લઈને પાર્લામેન્ટ સુધી નેતૃત્વ કર્યું છે. આ જિલ્લા અને ખાસ કરીને ખેડૂતો અને લોકો માટે બોલતો ચહેરો અને ગરીબ ગામડા માટે વાત કરતો ચહેરો સૌરાષ્ટ્ર આખાની અંદર ન ભૂલી શકાય એવા આક્રમક ચહેરાએ આજે અમારી વચ્ચેથી વિદાય લીધી છે. ત્યારે પ્રભુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે એમને પોતાના ચરણોમાં સ્થાન આપે.આ એવું વ્યક્તિત્વ હતું કે હંમેશા રોજેરોજ નાના નાના પ્રશ્નો માટે લોકો માટે બોલવું, લખવું અને વાત રજૂ કરવી. વિરોધ પક્ષે હંમેશા રહ્યા ત્યારે સતત પ્રજાના પ્રશ્નોને ઉજાગર કરવાનું કામ કર્યું છે અને વસમી વિદાય અમે ક્યારેય ભૂલી ન શકીએ.
આ પણ વાંચોઃ Ahmedabad News: ગુજરાત હાઈકોર્ટ સહિત અમદાવાદની પાંચ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી