અમદાવાદ શહેરમાં વાહનચોરીના બનાવો પર અંકુશ લાવવા માટે ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરેલી ઝુંબેશમાં મોટી સફળતા સાંપડી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે CCTV ફૂટેજ અને હ્યુમન સોર્સિસ (ખાનગી બાતમીદારો) ની મદદથી વાહનચોરી ગેંગનો પર્દાફાશ કરી 3 આરોપીઓની અટકાયત કરી છે.
વાહનચોરી ગેંગના 3 શાતિર આરોપીઓ ઝડપાયા!
પોલીસે આરોપીઓ પાસેથી નારોલ સર્કલ અને દાણીલીમડાના ફૈઝલનગરમાંથી ચોરાયેલી ૨ લોડિંગ રિક્ષાઓ કબ્જે કરી છે. જપ્ત કરાયેલા વાહનોમાં એક અતુલ થ્રી-વ્હીલર લોડિંગ ટેમ્પો અને એક બિન્હાસ થ્રી-વ્હીલર લોડિંગ ટેમ્પોનો સમાવેશ થાય છે, જેની કુલ કિંમત રૂ. 2,10,000 અંકાયી છે. આ કામગીરીથી નારોલ અને દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહનચોરીના બે ગુનાનો ભેદ ઉકેલાયો છે. પોલીસ તપાસ દરમિયાન ઝડપાયેલા આરોપીઓનો ચોંકાવનારો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે. અટકાયત કરાયેલા આરોપી ગુલફામ ઉર્ફે ડી.જે. કલામુદ્દીન કમરુદ્દીન કુરેશી વિરુદ્ધ અગાઉ ચોરી અને પ્રોહિબિશન સહિતના ૧૪ જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.
