અમદાવાદ શહેરના રિયલ એસ્ટેટ માર્કેટમાં અબજો રૂપિયાના ટર્નઓવર વચ્ચે બિલ્ડર લોબીને હચમચાવી દેતી એક તોતિંગ છેતરપિંડીની ફરિયાદ સામે આવી છે. શહેરના અત્યંત જાણીતા ‘રશ્મિ બિલ્ડર્સ’ (રશ્મિ ગ્રુપ) ના સ્થાપક દીપક હિરપરા, તેમના પુત્ર હર્ષિલ હિરપરા અને ભાઈ જિગ્નેશ હિરપરા વિરુદ્ધ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં રૂપિયા 59 કરોડની જંગી છેતરપિંડી અને વિશ્વાસઘાતની સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે. આ સમગ્ર કૌભાંડ રૂપિયા 120 કરોડની બજાર કિંમત ધરાવતી વિવાદિત જમીનને લીગલી ક્લિયર કરાવવાના બહાને આચરવામાં આવ્યું હોવાનો ગંભીર પર્દાફાશ થયો છે. જમીનના મૂળ વેપારી ચિંતન રામીએ ક્રાઈમ બ્રાન્ચમાં વિગતવાર પુરાવા સાથે ફરિયાદ નોંધાવતાં જ શહેરના બિલ્ડર આલમમાં ભારે સન્નાટો વ્યાપી ગયો છે.
120 કરોડની જમીન ખોટી રીતે દસ્તાવેજ પોતાના નામે કરાવી લીધા
જમીનના વેપારી ચિંતન રામી સાથે સંકળાયેલી અંદાજે ₹120 કરોડની કિંમતી જમીન પર કાયદાકીય વિવાદ ચાલતો હતો. આ વિવાદનો ફાયદો ઉઠાવી રશ્મિ બિલ્ડરના સ્થાપક દીપક હિરપરાએ જમીનનું ટાઈટલ ક્લિયર કરાવી આપવાની લાલચ આપી હતી. વિવાદ ઉકેલવા અને જમીન ક્લિયર કરાવવાની આડમાં આરોપીઓએ વ્યવસ્થિત ષડયંત્ર રચીને ખોટા અને બોગસ દસ્તાવેજો બનાવી લીધા હતા અને આ કિંમતી જમીન પોતાના નામે ચડાવી લીધી હતી. આ પ્રક્રિયામાં ફરિયાદી સાથે અધધ... ₹59 કરોડની જંગી રકમની છેતરપિંડી આચરવામાં આવી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વેપારી ચિંતન રામીની ફરિયાદના આધારે મુખ્ય સૂત્રધાર દીપક હિરપરા, તેમના પુત્ર હર્ષિલ હિરપરા અને ભાઈ જિગ્નેશ હિરપરા સામે ગુનાહિત ષડયંત્ર, છેતરપિંડી અને વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.
