અમદાવાદ શહેરના પોશ ગણાતા થલતેજ વિસ્તારમાંથી એક અત્યંત કરુણ અને કંપારી છૂટી જાય તેવી આગની દુર્ઘટના સામે આવી છે. થલતેજ નજીક આવેલા જાણીતા મેગ્નેટ કોર્પોરેટ પાર્કમાં આવેલી 'ફેડોરા કંપની'ના બીજા માળે ગત રાત્રિના સમયે અચાનક વિકરાળ આગ ભભૂકી ઊઠી હતી. ક્ષણભરમાં જ સમગ્ર ઓફિસમાં ધુમાડાના કાળાડિબાંગ ગોટેગોટા છવાઈ જતાં અંદર કામ કરી રહેલા કર્મચારીઓમાં ભારે નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
કંપનીના બીજા માળે આગ ભભૂકી
ચારેબાજુથી ઘેરાયેલા ધુમાડા અને આગની જ્વાળાઓ વચ્ચે જીવ બચાવવાના હવાતિયાં મારતા કેટલાક કર્મચારીઓએ ગભરાઈને છેક બીજા માળેથી નીચે છલાંગ લગાવી દીધી હતી. આ ભયાનક બનાવમાં ગંભીર રીતે ઘવાયેલા 30 વર્ષીય રચિત પટેલ નામના યુવકનું સારવાર દરમિયાન કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણથી ચાર કર્મચારીઓ હાલ હોસ્પિટલમાં જિંદગી સામે ઝઝૂમી રહ્યા છે.
જીવ બચાવવા બીજા માળેથી છલાંગ લગાવી
રાત્રિના સમયે જ્યારે કર્મચારીઓ ઓફિસમાં કામ કરી રહ્યા હતા ત્યારે બીજા માળે આવેલી ફેડોરા કંપનીમાં શોર્ટ સર્કિટ કે અન્ય ટેકનિકલ કારણોસર અચાનક આગ ભડકી ઊઠી હતી. જોતજોતામાં ઝેરી ધુમાડો સમગ્ર ફ્લોર પર ફેલાઈ ગયો હતો, જેનાથી કર્મચારીઓનો શ્વાસ રુંધાવા લાગ્યો હતો. બહાર નીકળવાનો રસ્તો બ્લોક થઈ જતાં કર્મચારીઓમાં ભારે ચીસાચીસ મચી ગઈ હતી. પોતાનો જીવ જોખમમાં મુકાયેલો જોઈને કેટલાક કર્મચારીઓએ બીજા માળની બારીઓ કે બાલ્કનીમાંથી નીચે છલાંગ લગાવી હતી. નીચે પટકાવાના કારણે તેમજ આગની ઝપેટમાં આવવાથી 30 વર્ષીય રચિત પટેલને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને તાબડતોબ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો.ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા અન્ય 3 થી 4 જેટલા કર્મચારીઓ હાલ હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે.
ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબૂ
બનાવની જાણ થતાં જ અમદાવાદ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.ફાયર ફાઈટરોએ યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને ઓફિસમાં ફસાયેલા અન્ય લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા અને પાણીનો મારો ચલાવીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો.આગ લાગવાનું વાસ્તવિક કારણ જાણવા માટે એફએસએલ (FSL) અને સ્થાનિક પોલીસની મદદ લેવામાં આવી છે.કોર્પોરેટ પાર્કમાં ફાયર સેફ્ટીની સિસ્ટમ ચાલુ હાલતમાં હતી કે કેમ અને એનઓસી (NOC) નિયમોનું પાલન થતું હતું કે નહીં તે અંગે પણ વહીવટી તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: Amreli: તુફાન ગાડીમાં સૂતા રહ્યા ને બહારથી આગ ચાંપી દીધી! લીલીયાના ગુંદરણમાં 2 પરપ્રાંતીય મજૂરોને જીવતા ભૂંજી નાખ્યા