બંગાળની ખાડીમાં સક્રિય થયેલા નવા વાવાઝોડા ‘અર્નબ’ (Cyclone Arnab) ને લઈને રાજ્યના હવામાન વિભાગે ગુજરાતના નાગરિકો અને ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો માટે રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડાથી ગુજરાત પર કોઈ પણ પ્રકારનો સીધો ખતરો નથી. જોકે, આ સિસ્ટમના પરિણામે વાતાવરણમાં મોટો પલટો જોવા મળશે અને રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધવાની સાથે બેવડી ઋતુનો અનુભવ થશે.

બંગાળની ખાડીમાં લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાયું

બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન વધુ મજબૂત બનીને ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થઈ રહ્યું છે.આ સાયક્લોન આશરે ૧૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે અને આજે રાત સુધીમાં તે વધુ તીવ્ર બની આગળ ધપશે.ચક્રવાતનો મુખ્ય ટ્રેક પૂર્વ અને ઉત્તર-પૂર્વ તરફ હોવાથી ગુજરાતના દરિયાકાંઠે સીધા નુકસાન કે વાવાઝોડું ત્રાટકવાની કોઈ સંભાવના નથી, જેના પગલે વહીવટી તંત્ર અને માછીમારોએ રાહતનો શ્વાસ લીધો છે.

ગુજરાતમાં વધશે ઠંડીનો ચમકારો

વાવાઝોડાની મૂવમેન્ટના કારણે ઉત્તર-પૂર્વીય દિશામાંથી સૂકા અને ઠંડા પવનો ફૂંકાવાનું શરૂ થશે, જેના લીધે રાજ્યમાં ગુલાબી ઠંડીના ચમકારામાં વધારો થશે. વહેલી સવારે વાતાવરણમાં ભેજ અને ધુમ્મસના કારણે ધૂંધળો માહોલ જોવા મળશે. બપોરના સમયે તાપમાન ઊંચું રહેશે. રાજ્યનું મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી આસપાસ નોંધાઈ શકે છે, જ્યારે રાજકોટમાં પારો સૌથી વધુ 39 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. દિવસ દરમિયાન આકરી ગરમી અને રાત્રે તેમજ વહેલી સવારે ઠંડકને કારણે નાગરિકો મિશ્ર ઋતુનો સામનો કરશે.

આ પણ વાંચો: Rajkot: જૂનાગઢની આંગડિયા પેઢીઓને લૂંટવાનો પ્લાન નિષ્ફળ, કુવાડવા પાસેથી UP-બિહાર-મુંબઈની હથિયારધારી ગેંગ ઝડપાઈ!