દિવાળીના તહેવારો દરમિયાન આંગડિયા પેઢીઓમાં કરોડો રૂપિયાની રોકડની હેરફેર વધી જતી હોય છે, ત્યારે આ રોકડ પર નજર રાખીને સૌરાષ્ટ્રને ધ્રૂજાવી દે તેવી લૂંટને અંજામ આપવા નીકળેલી એક અત્યંત ખતરનાક અને કુખ્યાત આંતરરાજ્ય ટોળકીને રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) એ ઝડપી પાડી છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને મુંબઈના રીઢા ગુનેગારોની બનેલી આ હથિયારધારી ટોળકી જૂનાગઢની આંગડિયા પેઢીઓમાંથી રોકડ લઈને નીકળતા કર્મચારીઓને રસ્તામાં આંતરીને લૂંટવાનું પદ્ધતિસરનું ષડયંત્ર રચી ચૂકી હતી. રાજકોટ SOG ની ટીમે બાતમીના આધારે અમદાવાદ-રાજકોટ હાઈવે પર કુવાડવા નજીક વાંકાનેર ચોકડી પાસેથી ફિલ્મી ઢબે નાકાબંધી કરીને XUV ગાડી સાથે ૫ લૂંટારુઓને જીવલેણ હથિયારો સાથે દબોચી લીધા છે.
કુવાડવા હાઈવે પર વોચ ગોઠવી XUV ગાડી ઝડપી પાડી
તહેવારોના દિવસોમાં આંગડિયા પેઢીઓ કે વેપારીઓ લૂંટ-ધાડનો ભોગ ન બને તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાથી SOG ના PI એન.બી. ચૌધરી અને બી.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ PSI બી.વી. ચુડાસમાની ટીમ સઘન પેટ્રોલિંગમાં હતી.આ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે અમદાવાદ તરફથી આવી રહેલી મહારાષ્ટ્ર પાસિંગની XUV 500 ગાડી (નંબર: MH-06-BE-3165) માં કેટલાક પરપ્રાંતીય શખ્સો જીવલેણ હથિયારો સાથે લૂંટ કરવાના ઈરાદે રાજકોટ તરફ આવી રહ્યા છે.SOG ની ટીમે કુવાડવા વાંકાનેર ચોકડી પાસે તાબડતોબ વોચ ગોઠવી શંકાસ્પદ XUV ગાડીને ઘેરી લીધી હતી. ગાડીની તલાશી લેતાં તેમાંથી દેશી પિસ્ટલ, ધારદાર છરીઓ, બેઝબોલનો ઘોકો અને મોબાઈલ સહિત કુલ રૂપિયા 5,61,600 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.પોલીસે સ્થળ પરથી ૫ આરોપીઓની ધરપકડ કરી કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં BNS ની લૂંટ અને ધાડની તૈયારી તથા આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે.
