અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ટેક્સ વિભાગની આંધળી અને અસંવેદનશીલ કામગીરીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોતાની તિજોરી ભરવા અને ટાર્ગેટ પૂરા કરવા માટે તંત્રએ તમામ હદો વટાવી દીધી હોય તેમ દાણીલીમડા વિસ્તારમાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના સામાન્ય કાચા-પાકા ઝૂંપડાઓને સરકારી ચોપડે આલીશાન 'રો-હાઉસ' દર્શાવીને બમણો પ્રોપર્ટી ટેક્સ ઝીંકી દેતાં સમગ્ર વિસ્તારમાં ભારે હોબાળો મચી ગયો છે.
દાઉદભાઈ ગણેશભાઈની ચાલીમાં તંત્રનો અજીબોગરીબ ખેલ
મળતી માહિતી મુજબ, દાણીલીમડા વિસ્તારમાં આવેલી 'દાઉદભાઈ ગણેશભાઈની ચાલી'માં વર્ષોથી શ્રમિક અને ગરીબ વર્ગના પરિવારો સામાન્ય ઝૂંપડા તેમજ નાના મકાનોમાં વસવાટ કરે છે. જોકે, તાજેતરમાં જ્યારે AMC દ્વારા પ્રોપર્ટી ટેક્સના બિલ ઇશ્યૂ કરવામાં આવ્યા ત્યારે સ્થાનિક રહીશોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગે કોઈ પણ પ્રકારની ગ્રાઉન્ડ ચકાસણી કે સ્થળ તપાસ કર્યા વગર એરકન્ડિશન્ડ ચેમ્બરમાં બેસીને આ તમામ સામાન્ય ઝૂંપડાઓને સીધા 'રો-હાઉસ'ની કેટેગરીમાં મૂકી દીધા હતા અને તે મુજબ તોતિંગ બમણો ટેક્સ ફટકારી દીધો હતો.
