અમદાવાદ શહેરમાં ચોમાસાની સિઝનની શરૂઆત થતાંની સાથે જ વિવિધ રોગચાળો વકરવાની ગંભીર ભીતિ સેવાઈ રહી છે.વરસાદી હવામાન અને ઠેર-ઠેર ભરાતા પાણીના કારણે પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગોના કેસોમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે.રોગચાળાના વધતા વ્યાપને ધ્યાનમાં રાખીને આરોગ્ય તંત્ર દોડતું થયું છે અને નાગરિકોને પણ ખાસ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી રહી છે.

આ મહિને ડેન્ગ્યુના કેસોમાં 5 ગણો નોંધપાત્ર વધારો

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી મળતી વિગતો મુજબ,ગત મહિનાની સરખામણીએ આ મહિને ડેન્ગ્યુના કેસોમાં 5 ગણો નોંધપાત્ર વધારો નોંધાયો છે.ચાલુ જુલાઈ મહિનામાં જ સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના 19 કેસ નોંધાયા છે.આ ઉપરાંત વાયરલ ફીવરના સૌથી વધુ 444 કેસો નોંધાતાં દર્દીઓની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે.સાથોસાથ કમળાના 139 કેસ, ડાયેરિયાના 118 કેસ અને ચિકનગુનિયાના 5 કેસ પણ હોસ્પિટલમાં નોંધાયા છે.

નાગરિકોને ખાસ માર્ગદર્શિકા અને સૂચનાઓ અપાઈ

રોગચાળાની આ ગંભીર સ્થિતિને પગલે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા નાગરિકોને ખાસ માર્ગદર્શિકા અને સૂચનાઓ આપવામાં આવી છે.તેમણે લોકોને પોતાના ઘરની આસપાસ પૂર્ણ સ્વચ્છતા જાળવવા,પાણી જમા ન થવા દેવા તેમજ ઉકાળેલું પાણી પીવા અને તાજો ખોરાક લેવા અપીલ કરી છે.જો કોઈ પણ વ્યક્તિમાં તાવ કે અન્ય લક્ષણો દેખાય તો તુરંત જ નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા હોસ્પિટલમાં સારવાર લેવા જણાવવામાં આવ્યું છે.


આ પણ વાંચોઃ Dholera News: પીપળી ગામમાં વરસાદી પાણીમાં ફસાયેલા 58 લોકોનું NDRFની ટીમે રેસ્ક્યૂ કર્યું