રાજ્યમાં સતત વધી રહેલા સાયબર ક્રાઇમ અને ઓનલાઈન નાણાકીય ઠગાઈના બનાવો વચ્ચે ગુજરાતના રાજ્ય પોલીસ વડા (DGP) જ્ઞાનેન્દ્રસિંહ મલિકે 'સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ' ની ઓચિંતી મુલાકાત લઈને સમગ્ર પોલીસ બેડામાં દોડધામ મચાવી દીધી હતી. DGP મલિકે કેન્દ્રમાં ચાલી રહેલી તપાસ પ્રક્રિયા, ટેકનિકલ સંશોધનો અને ડિજિટલ ફોરેન્સિક લેબની કામગીરીનું સ્થળ પર જઈને સીધું જ નિરીક્ષણ કર્યું હતું.
DGPએ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની મુલાકાત કરી
સમીક્ષા દરમિયાન તેમણે મોબાઈલ, લેપટોપ કે ડિજિટલ ડિવાઈસમાંથી ડેટા રિકવરી કરવાની પદ્ધતિઓ જોઈ હતી. DGP એ સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે સાયબર ફ્રોડના ભોગ બનેલા નાગરિકોની ફરિયાદોનો વિલંબ વિના તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે. તેમણે સાયબર હેલ્પલાઇન નંબર 1930 (1930 Cyber Helpline) ના માળખાને વધુ મજબૂત કરવા અને તેનાં એક્સ્ટેન્શન વધારવા માટે ઉચ્ચ અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી.
ઉચ્ચ અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા
DGP જ્ઞાનેન્દ્રસિંહ મલિકે સોશિયલ મીડિયા પર થતા ગુનાઓ, ડિજિટલ એરેસ્ટ, ટાસ્ક ફ્રોડ તેમજ ખાસ કરીને મહિલાઓ અને બાળકો સામે થતા સાયબર બુલિંગ અને ઓનલાઈન શોષણ ના બનાવો અંગેની સ્થિતિની માહિતી મેળવી હતી. મહિલાઓ અને બાળકોની ઓનલાઈન સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સમગ્ર રાજ્યમાં જાગૃતિ અને કડક એક્શન ઝુંબેશ ચલાવવા તેમણે સૂચના આપી હતી.
સમગ્ર પોલીસ બેડામાં દોડધામ
આધુનિક સાયબર ક્રાઈમ્સને ઉકેલવા માટે પોલીસ અધિકારીઓને અદ્યતન ટૂલ્સ અને સોફ્ટવેરથી સજ્જ કરવા તેમજ પોલીસ સ્ટાફને નિયમિત રીતે લેટેસ્ટ સાયબર તાલીમ આપવા પર તેમણે વિશિષ્ટ ભાર મૂક્યો હતો. વધુમાં, માત્ર આરોપીઓની ધરપકડથી સંતોષ ન માનતા, કોર્ટમાં કેસ મજબૂત રીતે ટકી શકે તે માટે ચોક્કસ અને અકાટ્ય વૈજ્ઞાનિક/ડિજિટલ પુરાવા રજૂ કરવા અધિકારીઓને સ્પષ્ટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ પણ વાંચો: Surat: ગોડાદરા વિસ્તારમાં રોડના ખાડામાં પટકાતાં યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત, ખાડાથી નગરજનોમાં ભારે આક્રોશ,