સુરત મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પહેલાં કે ચોમાસા દરમિયાન રસ્તાઓના સમારકામ અને પ્રી-મોન્સૂન કામગીરીના મોટા-મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતામાં પાલિકાની આ બેદરકારી હવે વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં આજે એક અત્યંત કરૂણ અને કમકમાટીભરી ઘટના સામે આવી છે, જ્યાં રોડ પર પડેલા એક મસમોટા ખાડાના કારણે યુવકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.
ખાડામાં પટકાતાં યુવકનું સ્થળ પર જ મોત
મળતી માહિતી મુજબ, ગોડાદરા વિસ્તારમાંથી પસાર થઈ રહેલા યુવકનું વાહન રસ્તા વચ્ચે પડેલા ઊંડા ખાડામાં અચાનક પટકાયું હતું. ખાડામાં બાઇકનું વ્હીલ આવી જતાં યુવકે વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો અને રોડ પર બળપૂર્વક નીચે પટકાયો હતો. માથા તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે યુવકે ઘટનાસ્થળે જ તડપી-તડપીને દમ તોડી દીધો હતો.
યુવકે તડપી-તડપીને દમ તોડી દીધો
આ પૂરી ગોઝારી ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સામે આવેલા લાઈવ CCTV ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે, રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં હતો અને પાલિકા તંત્ર દ્વારા તેનું કોઈ જ રિપેરિંગ કરવામાં આવ્યું ન હતું. ખાડાને લીધે સર્જાયેલા આ અકસ્માતમાં યુવક નીચે પટકાતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા, પરંતુ તેને બચાવી શકાયો નહતો.
નગરજનોમાં ભારે રોષ વ્યાપ્યો
CCTV ફૂટેજ વાયરલ થતાં જ સુરત પાલિકાની હલકી કક્ષાની કામગીરી અને રોડ મેન્ટેનન્સના અભાવ સામે નગરજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે. સ્થાનિક રહીશો અને મૃતકના પરિજનોએ માંગ કરી છે કે માત્ર 'અકસ્માત' નો કેસ ન નોંધીને, આડેધડ કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર અને રોડ રિપેરિંગ ન કરાવનાર જવાબદાર પાલિકા એજન્સીના એન્જિનિયરો સામે મનુષ્યવધ જેવી કડક કાનૂની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવે.
આ પણ વાંચો: Ahmedabad: ન્યૂ રાણીપ અંડરપાસ પાસેથી MD ડ્રગ્સ સાથે બે યુવકો ઝડપાયા, કુલ 1.04 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત