અમદાવાદ શહેરમાં યુવાધનને નશાના કાળા કારોબારથી બચાવવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કડક પેટ્રોલિંગ અને સર્વેલન્સ હાથ ધરવામાં આવી રહ્યું છે. તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે સાબરમતી ન્યૂ રાણીપ અંડરપાસ નજીકના જાહેર રોડ પર બે શંકાસ્પદ યુવકો કેફી પદાર્થ (એમ.ડી. ડ્રગ્સ) નો જથ્થો લઈને પસાર થવાના છે.
ન્યૂ રાણીપ અંડરપાસ પાસેથી MD ડ્રગ્સ સાથે બે યુવકો ઝડપાયા
બાતમીના આધારે પોલીસે ન્યૂ રાણીપ અંડરપાસ પાસે પૂર્વઆયોજિત વોચ ગોઠવી હતી. શંકાસ્પદ હાલતમાં એક્ટીવા સ્કૂટર પર આવી પહોંચેલા બે યુવકોને રોકીને તલાશી લેતાં તેમની પાસેથી નશીલો પદાર્થ મળી આવ્યો હતો.પોલીસે ઘટનાસ્થળેથી અભી પટેલ અને સાહીલ પટેલ નામના બંને યુવકોને અટકાયતમાં લીધા હતા. તેમની પાસે રહેલા 1 ગ્રામ 400 મિલીગ્રામ એમ.ડી. (મેફેડ્રોન) ડ્રગ્સને જપ્ત કરવામાં આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય/સ્થાનિક બજાર કિંમત અંદાજે રૂ. 4,200 થાય છે. આ ઉપરાંત ડ્રગ્સના હેરાફેરીમાં વપરાયેલા બે મોંઘા મોબાઈલ ફોન અને એક એક્ટીવા સ્કૂટર મળી કુલ રૂ. 1,04,200 નો મુદ્દામાલ કબજે લેવાયો છે.
