રાજકોટના બહુચર્ચિત TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક પગલાંના ભાગરૂપે બરતરફ કરવામાં આવેલા અધિકારીઓના મામલે ગુજરાત હાઈકોર્ટે એક અત્યંત મહત્વનો ચુકાદો આપ્યો છે. RMC ના પૂર્વ ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર દ્વારા પોતાની બરતરફી સામે હાઈકોર્ટમાં કરાયેલી પિટિશનમાં તેમને મોટી સફળતા મળી છે.

TRP ગેમઝોન અગ્નિકાંડ 

હાઈકોર્ટે ઈલેશ ખેરની બરતરફી (ડિસમિસલ) નો હુકમ રદ્દબાતલ ઠેરવ્યો છે અને તેમને નોકરીમાંથી બરતરફ કરવાને બદલે 'સસ્પેન્ડેડ' ગણવા રાજકોટ મનપાને સ્પષ્ટ આદેશ કર્યો છે. આ ઉપરાંત સસ્પેન્શન સમયગાળા દરમિયાન નિયમ મુજબ મળવાપાત્ર અડધો પગાર (સસ્પેન્શન ભથ્થું) પણ ચૂકવી આપવા મનપા તંત્રને તાકીદ કરી છે.

 પૂર્વ ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરની બરતરફી રદ્દ

ગેમઝોન દુર્ઘટના બાદ વહીવટી તંત્ર દ્વારા આકરાં પગલાં દર્શાવવા માટે ૬ જેટલા અધિકારીઓને ઈન્કવાયરી રિપોર્ટ આપ્યા વગર કે ખાતાકીય તપાસની કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના સીધા જ બરતરફ કરી દેવામાં આવ્યા હતા. હાઈકોર્ટમાં કાનૂની દલીલો દરમિયાન આ જ મુદ્દો સૌથી નિર્ણાયક સાબિત થયો હતો.

ડિસમિસ નહીં પરંતુ સસ્પેન્ડ ગણવા હાઈકોર્ટનો હુકમ

આ અગાઉ એસિસ્ટન્ટ ટાઉન પ્લાનર (ATP) મુકેશ મકવાણા અને રાજેશ મકવાણાને પણ હાઈકોર્ટમાંથી આવી જ રાહત મળી ચૂકી છે. હવે ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરના કેસમાં પણ બરતરફી રદ્દ થતાં, કાનૂની લડત લડી રહેલા 6 માંથી કુલ 3 અધિકારીઓને હાઈકોર્ટમાંથી મોટી રાહત સાંપડી છે. આ ચુકાદાથી મનપાના ઉતાવળે લેવાયેલા નિર્ણયો સામે કાનૂની રીતે મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે.

આ પણ વાંચો: Surendranagar: તારંગાધામમાં પૂજારી પતિએ પત્નીની હત્યા કરી આત્મહત્યા કરી, DySP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે