ગુજરાત પોલીસ વિભાગના ઇતિહાસમાં પ્રથમ વખત એક અત્યંત સંવેદનશીલ અને માનવતાવાદી નિર્ણય લેવામાં આવ્યો છે. અલગ-અલગ જિલ્લા કે એકમોમાં ફરજ બજાવતા સરકારી સેવા ધરાવતા પતિ-પત્ની એકસાથે રહી શકે તે હેતુથી રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે સ્વવિનંતીથી રજૂ થયેલી અરજીઓને ધ્યાને રાખીને એકસાથે 415 પોલીસ કર્મચારીઓની બદલીનો હુકમ કર્યો છે. આ નિર્ણયથી સંતાનોના ઉછેર અને પારિવારિક જવાબદારીઓ નિભાવતા પોલીસ જવાનોને મોટી રાહત મળશે.

વિવિધ 6 કેડરના 415 કર્મચારીઓનો સમાવેશ

  • ગુજરાત પોલીસ વડાએ કરવામાં આવેલી આ જંગી બદલીમાં વિવિધ 6 કેડરના કર્મચારીઓનો સમાવેશ થાય છે.
  • ASI (બિનહથિયારી અને હથિયારી): 27 કર્મચારીઓ
  • હેડ કોન્સ્ટેબલ (બિનહથિયારી અને હથિયારી): 33 કર્મચારીઓ
  • બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 226 કર્મચારીઓ
  • હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 129 કર્મચારીઓ
  • કુલ બદલી પામેલા કર્મચારીઓ: 415

અલગ-અલગ સ્થળે ફરજથી ઊભી થતી પારિવારિક સમસ્યાઓનો ઉકેલ

પોલીસ વિભાગની કઠિન અને અવિરત ફરજના કારણે ઘણી વખત પતિ અને પત્ની બંને સરકારી સેવામાં હોવા છતાં અલગ-અલગ જિલ્લાઓમાં રહેવા મજબૂર બનતા હતા. આ પરિસ્થિતિના કારણે તેમના દાંપત્ય જીવન, બાળકોના શિક્ષણ અને વૃદ્ધ માતા-પિતાની સંભાળ લેવામાં ભારે મુશ્કેલીઓ પડતી હતી. પોલીસ કર્મીઓની આ વ્યાજબી રજૂઆતો અને મુશ્કેલીઓને રાજ્ય પોલીસ વડાએ અત્યંત સંવેદનશીલતાપૂર્વક મૂલવીને આ નિર્ણય લીધો છે.

દાંપત્ય જીવન અને પરિવારને પણ અપાયું મહત્વ

આ ઐતિહાસિક નિર્ણય અંગે જણાવાયું છે કે, પોલીસ જવાનોની કડક ફરજની સાથે સાથે તેમના અંગત પારિવારિક જીવન અને દાંપત્ય જીવનને સુખી બનાવવું પણ તેટલું જ મહત્વનું છે. એકસાથે 415 કર્મચારીઓની બદલી થવાથી હવે પોલીસ કર્મીઓ પોતાની વ્યાવસાયિક ફરજો અને પરિવાર પ્રત્યેની જવાબદારીઓ વચ્ચે વધુ સારું સંતુલન જાળવી શકશે, જેથી સમગ્ર વિભાગમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચો - Gujarat Policeની ટેક્નિકલ ભરતીની પરીક્ષા 23 ઓગસ્ટે, 25 હજાર ઉમેદવારો આપશે પરીક્ષા