તહેવારોની મોસમ ચાલી રહી છે, ત્યારે ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ જિલ્લાના ધોળકા APMC માર્કેટમાં ડાંગરનો યોગ્ય ભાવ ન મળવાના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. દિવાળીના પર્વ ટાણે જ પાકના યોગ્ય નાણાં ન મળતા ખેડૂતોની દિવાળી ફીકી પડી ગઈ છે અને તેઓ ભારે આર્થિક મુશ્કેલીમાં મુકાયા હોવાનું જણાવી રહ્યા છે.
ભાવમાં અચાનક ઘટાડો થતાં ખેડૂતો લાલઘૂમ
મળતી માહિતી મુજબ, ધોળકા તાલુકાના વિવિધ ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના ડાંગરનો પાક ટ્રેક્ટરોમાં ભરીને વેચાણ માટે APMC માર્કેટ આવ્યા હતા, પરંતુ હરાજી દરમિયાન ડાંગરના નીચા ભાવ બોલાતા ખેડૂતો રોષે ભરાયા હતા. ખેડૂતોના જણાવ્યા અનુસાર, માત્ર બે દિવસ પહેલા જે ડાંગરનો ભાવ રૂ. 700 થી વધુ હતો, તે જ ડાંગરનો ભાવ અચાનક ઘટાડીને રૂ. 500 કરી દેવામાં આવ્યો હતો, જેના કારણે ખેડૂતોએ માર્કેટમાં હોબાળો મચાવ્યો હતો.

