અમદાવાદ ગ્રામ્યના ધોળકા તાલુકામાં બુટલેગરો પર પોલીસે તવાઈ બોલાવી છે. ધોળકા તાલુકાની વટામણ ચોકડી પાસે કોઠ પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને વિદેશી દારૂની હેરાફેરીનો મોટો પર્દાફાશ કર્યો છે. પોલીસે શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી GJ 01 KH 9911 નંબરની લક્ઝુરિયસ કારને અટકાવી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 768 બોટલો મળી આવી હતી.

કારચાલકની ધરપકડ, રાજસ્થાની બુટલેગર વોન્ટેડ

પોલીસની આ સફળ કામગીરી દરમિયાન દારૂની હેરાફેરી કરી રહેલા કારચાલક જયેશભાઈ ઉર્ફે જયલો જગદીશભાઈ બારૈયા (ઉંમર 30, રહે. પુનિતનગર, ધંધુકા) ની સ્થળ પરથી જ ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્થો જગદીશ બિશ્નોઈ (હાલ રહે. તારાપુર, આણંદ, મૂળ રહે. રાજસ્થાન) નામના શખ્સે ભરી આપ્યો હોવાનું સામે આવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી શોધખોળ તેજ કરી છે.

કુલ રૂ. 7,47,400નો મુદ્દામાલ જપ્ત કરાયો

કોઠ પોલીસે દરોડા દરમિયાન વિદેશી દારૂની 768 બોટલો (કિંમત રૂ. 2,42,400), 1 મોબાઈલ ફોન (કિંમત રૂ. 5,000) અને ગુનામાં વપરાયેલી કાર (કિંમત રૂ. 5,00,000) મળી કુલ રૂ. 7,47,400નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સમગ્ર મામલે કોઠ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65(A)(E), 81, 98(2) અને 116(B) હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


બુટલેગરોમાં ફફડાટનો માહોલ

હાઈવે પર લક્ઝુરિયસ ગાડીઓનો ઉપયોગ કરીને દારૂની હેરાફેરી કરવાના બુટલેગરોના કીમિયાને કોઠ પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. વટામણ ચોકડી જેવા વ્યસ્ત જંક્શન પર પોલીસની આ કડક કાર્યવાહીને પગલે સમગ્ર પંથકના અસામાજિક તત્વો અને દારૂના ધંધાર્થીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.


આ પણ વાંચો: Ahmedabad Crime News: ઘાટલોડિયામાં ચરસ પાર્ટીનો પર્દાફાશ, ચરસ સાથે 5 શખ્સો ઝડપાયા