ગુજરાતના અમદાવાદ (Ahmedabad) શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે આગામી 21 નવેમ્બરના રોજ યોજાનાર ગાયક દિલજીત દોસાંજ (Diljit Dosanjh Concert) ના કોન્સર્ટને લઈને પોલીસ તંત્ર દ્વારા અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કોન્સર્ટને અત્યાર સુધી અનેક વખત બોમ્બની ધમકીઓ (Bomb Threats) મળી હોવાના અહેવાલો બાદ અમદાવાદ પોલીસ (Ahmedabad Police) સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. સમગ્ર સુરક્ષા બંદોબસ્તમાં 1200 થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તૈનાત રહેશે, જેમાં 1 JCP, 5 DCP, 9 ACP, 22 PI અને 74 PSI નો સમાવેશ થાય છે, સાથે જ ટ્રાફિક પોલીસના જવાનો પણ વ્યવસ્થા જાળવવા માટે જોડાશે.
બોમ્બ સ્કવોડ, ડ્રોન અને સાદા કપડામાં પોલીસ
કોન્સર્ટ પૂર્ણ થાય ત્યાં સુધી સ્ટેડિયમ, પાર્કિંગ અને તમામ એન્ટ્રી ગેટ પર બોમ્બ સ્કવોડ (Bomb Squad) અને ડોગ સ્કવોડ (Dog Squad) દ્વારા સતત તપાસ કરવામાં આવશે. ધમકીભર્યા ઈમેલ આઈડી પર સાયબર ક્રાઈમ સેલ (Cyber Crime Cell) સતત નજર રાખશે, જ્યારે સોશિયલ મીડિયા પર ખોટી અફવા ફેલાવનારા સામે પણ કડક કાર્યવાહી કરાશે. CCTV કેમેરા અને ડ્રોન દ્વારા મોનિટરિંગની સાથે રસ્તાથી લઈને સ્ટેજ સુધી અલગ-અલગ લેયરમાં સુરક્ષા ગોઠવાશે. મોબાઈલ ચોરી, ટિકિટની કાળાબજારી અને અન્ય ગુનાઓ અટકાવવા સાદા કપડામાં પોલીસકર્મીઓ તેમજ મહિલાઓની સુરક્ષા માટે SHE ટીમની મહિલા કર્મચારીઓ પણ સાદા કપડામાં તૈનાત રહેશે.
