અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાયેલા જાણીતા સિંગર દિલજીત દોસાંઝના લાઈવ કોન્સર્ટ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા ઉડતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. કોન્સર્ટ દરમિયાન સ્ટેડિયમની અંદર યુવકો વચ્ચે મારામારી થઈ હોવાના અને ભીડ વચ્ચે પ્રતિબંધિત સિગારેટ તેમજ ઈ-સિગારેટ ફૂંકવામાં આવી રહી હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે વિવાદ સર્જાયો છે.
ભીડ વચ્ચે યુવકો સિગારેટ પીતા અને ધુમાડા કાઢતા કેમેરામાં કેદ
વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્ટેડિયમની અંદર ભીડમાં ઉભેલા એક યુવકે સિગારેટ સળગાવી હતી અને પોલીસની હાજરીમાં જ યુવકો સિગારેટ પીને ધુમાડા કાઢતા કેમેરામાં કેદ થયા હતા.આશ્ચર્યની વાત એ છે કે સ્ટેડિયમમાં પ્રવેશતા સમયે ગેટ પર ચેકિંગ, ત્યારબાદ સીડી પાસે અને સિટિંગ એરિયા પહેલાં એમ અનેક તબક્કામાં સઘન તપાસ કરવામાં આવતી હોવા છતાં પ્રતિબંધિત સિગારેટ અને ઈ-સિગારેટ સ્ટેડિયમની અંદર સુધી કેવી રીતે પહોંચી, તે અંગે સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
