દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે વતન જતા પ્રવાસીઓ માટે ગુજરાત એસટી નિગમ (GSRTC) દ્વારા અત્યંત મહત્વપૂર્ણ અને રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. તહેવારોના દિવસોમાં મુસાફરોની ભારે ભીડ અને ધસારાને પહોંચી વળવા માટે નિગમ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેનાથી મુસાફરોની સફર વધુ સરળ અને આરામદાયક બનશે.
2400 એક્સ્ટ્રા બસો અને 8000થી વધુ ટ્રીપનું ભવ્ય આયોજન
મુસાફરોના ભારે ધસારાને ધ્યાનમાં રાખીને એસટી નિગમ દ્વારા કુલ 2400 એક્સ્ટ્રા બસો ફાળવવામાં આવી છે. આ બસો દ્વારા તહેવાર દરમિયાન કુલ 8000થી વધુ વધારાની ટ્રીપનું સંચાલન કરવામાં આવશે. ખાસ કરીને સુરતથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ જતા મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને આ વધારાની ટ્રીપનું વિશેષ આયોજન કરાયું છે, જેથી કોઈપણ મુસાફરને વતન જવામાં મુશ્કેલી ન પડે.
કઈ તારીખથી શરૂ થશે વિશેષ સંચાલન?
મુસાફરોની સુવિધા માટે આ વધારાની બસોનું સંચાલન આગામી 4 થી 7 નવેમ્બર દરમિયાન કરવામાં આવશે. આ ચાર દિવસો દરમિયાન મુખ્ય શહેરોમાંથી વધારાની બસો નિયમિત રૂટ ઉપરાંત ખાસ ફ્રિકવન્સી સાથે દોડાવવામાં આવશે, જેથી પ્રવાસીઓ સમયસર પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકે.

કયા રૂટ પર મળશે સૌથી વધુ રાહત?
આ વિશેષ આયોજન હેઠળ ખાસ કરીને સુરત અને અમદાવાદથી મુસાફરી કરતા લોકોને મોટો લાભ મળશે. ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને રાજકોટ તરફ જતા મુસાફરો માટે વિશેષ બસો ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત અમદાવાદ, રાજકોટ, વડોદરા અને મહેસાણા તેમજ પાટણ અને પાલનપુર તરફ પણ જરૂરિયાત મુજબ વધારાની બસો દોડાવાશે.
ઓનલાઇન બુકિંગ અને હેલ્પલાઇન નંબરની સુવિધા
મુસાફરો લાંબી લાહોરોમાં ઉભા રહેવાને બદલે ઘર બેઠા જ એસટી નિગમની વેબસાઇટ પરથી બુકિંગ કરી શકે છે. વેબસાઇટ પર એડવાન્સ અને કરંટ ઓનલાઇન બુકિંગ બંને પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત, જો મુસાફરોને કોઈપણ પ્રકારની માહિતી જોઈતી હોય તો તેઓ 1800233666666 ટોલ ફ્રી નંબર પર 24 કલાક સંપર્ક કરી શકે છે.
આ પણ વાંચો: Surat News: ચંદી પડવાના તહેવાર પહેલા માવાના વેપારીઓ પર ફૂડ સેફ્ટી વિભાગના દરોડા