દિવાળીના પર્વ પર રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદમાં ફટાકડા ફોડવા અને આતશબાજીના કારણે આગ લાગવાના અસંખ્ય બનાવો સામે આવ્યા હતા. AMC ફાયર વિભાગને સમગ્ર દિવસ દરમિયાન કુલ 136 કટોકટીના કોલ મળ્યા હતા, જેના કારણે ફાયર બ્રિગેડની ટીમો આખી રાત દોડતી રહી હતી.
રાત્રિના સમયે સૌથી વધુ આગના બનાવો નોંધાયા
મળતી માહિતી મુજબ, દિવાળીના દિવસે દિવસ દરમિયાન માત્ર 16 જેટલા જ કોલ મળ્યા હતા, પરંતુ રાત્રિના 08:00 વાગ્યાથી લઈને સવારના 06:00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન જ કુલ 120 જેટલા કોલ ફાયર કંટ્રોલ રૂમમાં નોંધાયા હતા. આ દર્શાવે છે કે રાત્રે ફટાકડા ફોડવાના સમયે આગના બનાવોમાં ભારે ઉછાળો આવ્યો હતો.

મોટાભાગના કોલ કચરામાં આગ લાગવાના હતા
ફાયર વિભાગને મળેલા કુલ 136 કોલ પૈકી મોટાભાગના એટલે કે 81 જેટલા કોલ માત્ર કચરામાં આગ લાગવાના હતા. ફટાકડાના તણખા ખુલ્લા કચરા કે ઢગલા પર પડવાથી આ આગ લાગી હતી. આ ઉપરાંત, બાકીના બનાવો છૂટાછવાયા અને સામાન્ય પ્રકારના હતા, જેમાં સમયસર કાબૂ મેળવી લેવાયો હતો.

ચંડોળા તળાવ અને સિલ્વર ઓક કોલેજ પાસે બની મોટી ઘટનાઓ
શહેરમાં મોટાભાગના બનાવો સામાન્ય રહ્યા હતા, પરંતુ બે જગ્યાએ મોટી આગ લાગવાની ઘટનાઓ બની હતી. ચંડોળા તળાવ પાસે આવેલી એક ફેક્ટરીમાં ફટાકડાના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઉપરાંત, સિલ્વર ઓક કોલેજ પાછળ આવેલી એક બાંધકામ સાઇટ (કન્સ્ટ્રક્શન સાઈટ) પર પણ આગ લાગવાની મોટી ઘટના સામે આવી હતી. ફાયર જવાનોએ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી જઈ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ પણ વાંચો: Explainer: દિવાળી અને બેસતા વર્ષ વચ્ચે કેમ આવે છે 'ધોકો'?