દિવાળી દરમિયાન ફોડાયેલા ફટાકડાના કારણે અમદાવાદ શહેરની હવામાં પ્રદૂષણનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી ગયું છે અને વાયુ ગુણવત્તા ખાથડતાં અનેક વિસ્તારોમાં AQI 200ને પાર પહોંચી ગયો છે.શહેરમાં રાયખડ વિસ્તાર 276 AQI સાથે સૌથી વધુ પ્રદૂષિત નોંધાયો છે.જ્યારે રખિયાલમાં 266, એરપોર્ટ વિસ્તારમાં 214 અને ચાંદખેડામાં 200 AQI નોંધાયો છે.આ ઉપરાંત મણિનગરમાં 198, સેટેલાઇટમાં 153 અને બોપલમાં 141 AQI નોંધાતાં સમગ્ર શહેરમાં પ્રદૂષિત દૂષિત હવાને કારણે રહીશોમાં સ્વાસ્થ્ય સંબંધિત ચિંતા વધી છે.

ઇસરો-સેટેલાઇટમાં 244 એક્યુઆઈ રહ્યો હતો

દિવાળીના દીપોત્સવ વચ્ચે અમદાવાદની હવામાં પ્રદૂષણના કાળા પડછાયા જોવા મળ્યા હતા.ફટાકડાના ધુમાડા અને ઝેરી સૂક્ષ્મ રજકણોએ શહેરની હવાની ગુણવત્તા ગંભીર રીતે બગાડી નાખી હતી.રાત્રે 1 વાગ્યે એસવીપીઆઈ એરપોર્ટનો એર ક્વોલિટી ઇન્ડેક્સ 290 નોંધાયો હતો.આ ઉપરાંત રખિયાલમાં 287અને રાયખડમાં 286 એક્યુઆઈ સાથે સમગ્ર વાતાવરણમાં પ્રદૂષણ ફેલાતાં હવા નબળી શ્રેણીમાં પહોંચી ગઈ હતી.દિવાળીની રાત્રિ વીતી ગયા પછી પણ પ્રદૂષણની અસરમાં ઘટાડો થયો નહોતો.9 નવેમ્બરે સવારે 10 વાગ્યે રખિયાલમાં એક્યુઆઈ વધીને 298 નોંધાયો હતો.આ જ સમયે રાયખડમાં 288નો આંકડો સામે આવ્યો હતો.એરપોર્ટ વિસ્તારમાં સવારે 286 અને ઇસરો-સેટેલાઇટમાં 244 એક્યુઆઈ રહ્યો હતો. 

ગાંધીનગર સેક્ટર-10માં 254નો આંકડો રહ્યો

ચાંદખેડામાં 220 અને ગાંધીનગર સેક્ટર-10માં 254નો આંકડો રહ્યો હતો.સવાર સુધી શહેરના મોટાભાગના વિસ્તારોમાં હવાની ગુણવત્તા સતત નબળી શ્રેણીમાં રહી હતી.ફટાકડાના ધુમાડામાં પીએમ 2.5 અને પીએમ 10 જેવા સૂક્ષ્મ રજકણો હોય છે.તેમાં વિવિધ હાનિકારક વાયુ પ્રદૂષકો પણ ભળેલા હોય છે.પીએમ 2.5ના અતિબારીક કણો શ્વાસ મારફતે ફેફસાંના ઊંડા ભાગ સુધી પહોંચે છે.તેનાથી આંખોમાં બળતરા,ગળામાં ખરાશ અને ઉધરસની ફરિયાદ વધે છે.શ્વાસ લેવામાં તકલીફ થવાથી અસ્થમાના દર્દીઓની મુશ્કેલી વધી શકે છે.હૃદય અને ફેફસાંની બીમારીવાળા લોકો,વૃદ્ધો અને બાળકો માટે આ સ્થિતિ અત્યંત જોખમી છે.રાત્રે પવનની ગતિ ધીમી હોવાથી આ પ્રદૂષકોનું વાતાવરણમાં વિખેરણ શક્ય બનતું નથી.

આ પણ વાંચોઃ Botad: ઢાંકણીયા રોડ પર ભંગારના ડેલામાં લાગી વિકરાળ આગ, ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબૂ