દેશના મોટા શહેરોમાં હવે શુદ્ધ હવા મેળવવી મુશ્કેલ છે. કારણ કે, દિવસે દિવસે વધી રહેલા પ્રદૂષણને કારણે હવા ઝેરી બની રહી છે. ગુજરાતમાં અમદાવાદ અને રાજકોટ જેવા શહેરોમાં પણ દિવાળીની રાત્રે હવાના પ્રદૂષણમાં અસહ્ય વધારો થયો હતો. આ બંને શહેરોમાં દિવાળીની રાત ગેસ ચેમ્બર જેવી સ્થિતિમાં હતી. દિવાળીના તહેવારમાં ફટકડાનો ધુમાડો, રસ્તા પર ઉડતી ધૂળ, વાહનોના ધુમાડા અને બાંધકામ સાઈટો પરથી ફેલાઈ રહેલા ધૂળિયા પ્રદૂષણને કારણે શહેરોમાં સ્થિતિ ખૂબજ જોખમી બની છે. ઝેરી હવાને કારણે શ્વાસને લગતી ફરિયાદો વધી રહી છે.
રાજકોટ શહેરમાં AQI 922એ પહોંચી ગયો હતો
અમદાવાદમાં દિવાળીની રાત્રે ફટાકડાની આતશબાજીના કારણે વાયુ પ્રદૂષણ જોખમી સ્તરે પહોંચી જતાં શહેરની હવા અત્યંત ઝેરી બની ગઈ હતી.સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ 500ને પાર પહોંચ્યો હતો.જેમાં મોડી રાત્રે 1 વાગ્યે AQI 529 નોંધાયો હતો.ખાસ કરીને સોલા વિસ્તારમાં AQI મહત્તમ 735 ના અત્યંત જોખમી સ્તર સુધી પહોંચી ગયો હતો.જ્યારે થલતેજમાં 456, સાઉથ બોપલમાં 334 અને પ્રહલાદનગરમાં 302 AQI નોંધાતાં સમગ્ર શહેરમાં પ્રદૂષણની ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. આ ઉપરાંત રાજકોટ શહેરમાં દિવાળીની રાત્રે 12 વાગ્યા બાદ એર ક્વોલિટી ઈન્ડેક્સ 922એ પહોંચી ગયો હતો. શહેરમાં જંક્શન પ્લોટમાં સૌથી વધુ 797 AQI નોંધાયો હતો.
સફર પ્રોજેક્ટ હેઠળ શરૂ કરાયેલા ડિસ્પ્લે શોભાના ગાંઠિયા
અમદાવાદ શહેરમાં વાયુ પ્રદૂષણનું પ્રમાણ કેટલું છે તેની જાણકારી મળી રહે તે માટે વર્ષ 2017માં સફર પ્રોજેક્ટ હેઠળ શરૂ કરાયેલા ડિસ્પ્લે શોભાના ગાંઠિયા બન્યા છે. પ્રોજેક્ટ અંતર્ગત એક ડિસ્પ્લે પાછળ અંદાજે રૂ.10થી 12 લાખનો ખર્ચ થયો હતો.આઠ ડિસ્પ્લે પાછળ તંત્ર દ્વારા અંદાજે રૂ.80થી 96 લાખનો જંગી ખર્ચ કરાયો હતો.શહેરના જુદા-જુદા આઠ સ્થળોએ આ વ્યવસ્થા ઊભી કરાઈ હતી.તેમાં બોપલ,સેટેલાઈટ, એરપોર્ટ, પીરાણા, રાખિયાલ, ચાંદખેડા, રાયખડ અને ગિફ્ટ સિટીનો સમાવેશ થતો હતો.વર્ષ 2021થી આ તમામ ડિસ્પ્લે બોર્ડ બંધ હાલતમાં પડ્યા છે.
શહેરમાં પ્રદૂષણની સ્થિતિ ચિંતાજનક છે
AMCઆ મામલે મૂકપ્રેક્ષક બની ગયું છે પરિણામે નાગરિકો હવાની શુદ્ધતા અંગે અજાણ રહે છે.બીજી તરફ શહેરમાં પ્રદૂષણની સ્થિતિ ચિંતાજનક છે.પુણેની સિસ્ટમના 8 નવેમ્બરના સવારે 9 વાગ્યાના આંકડા મુજબ એરપોર્ટ વિસ્તારમાં સૌથી વધુ 282,રાયખડમાં 241,રખિયાલમાં 233 અને ચાંદખેડામાં 225 AQI નોંધાયો હતો.આ ચારેય વિસ્તારોમાં હવાની ગુણવત્તા નબળી કેટેગરીમાં રહી છે.મણિનગરમાં 174, સેટેલાઈટમાં 140 AQI સાથે મધ્યમ શ્રેણી નોંધાઈ હતી.ગ્યાસપુરમાં 108 AQI નોંધાયો હતો.બોપલમાં સૌથી ઓછો 85 AQI નોંધાતાં સંતોષકારક શ્રેણી રહી હતી.
આ પણ વાંચોઃ Rajkot: દિવાળીની રાત્રે શહેરમાં અનેક સ્થળોએ આગના બનાવો, ફાયર બ્રિગેડે રાતભર પાણીનો મારો ચલાવી સ્થિતિ કાબૂમાં લીધી