દીપોત્સવના મહાપર્વ દિવાળીની રાત્રે રંગીલા રાજકોટ શહેરમાં ઉત્સાહ અને રોશની વચ્ચે આગની ઉપરાઉપરી બનેલી ઘટનાઓએ ભારે દોડધામ અને ફફડાટ સર્જી દીધો હતો. ફટાકડાના તણખા અને રોકેટના કારણે શહેરના ઔદ્યોગિક, રહેણાંક અને વ્યાવસાયિક વિસ્તારોમાં સંખ્યાબંધ સ્થળોએ આગ ફાટી નીકળી હતી. માર્કેટયાર્ડ પાસે આવેલું બંગડીનું કારખાનું, ગુરુ પ્રસાદ ચોક નજીક પ્લાસ્ટિકની ફેક્ટરી, યાજ્ઞિક રોડ પર આવેલું શોપિંગ કોમ્પ્લેક્સ, કાર શોરૂમ તેમજ જૂના એરપોર્ટ વિસ્તારમાં ખુલ્લા વંડામાં લાગેલી આગને પગલે રાજકોટ મહાનગરપાલિકાનું ફાયર વિભાગ આખી રાત ખડેપગે રહ્યું હતું. ફાયર ફાઈટરોની ટીમોએ સતત પાણીનો મારો ચલાવી આગ પર મહદઅંશે કાબૂ મેળવી લેતાં સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી.
શહેરમાં ક્યાં-ક્યાં ભભૂકી આગ? ઘટનાઓનો સિલસિલો
માર્કેટયાર્ડ નજીક આવેલા બંગડી બનાવવાના કારખાના પર ફટાકડો પડતાં અચાનક વિકરાળ આગ લાગી હતી. જ્વલનશીલ સામગ્રી હોવાથી આગે ઝડપથી વિકરાળ રૂપ ધારણ કર્યું હતું, જેના કારણે નજીકના મકાનોમાં રહેતા સ્થાનિકોમાં અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી. ફાયર ટીમે તાત્કાલિક પહોંચી આગને રહેણાંક મકાનોમાં પ્રસરતી અટકાવી હતી.ગુરુ પ્રસાદ ચોક નજીક આવેલા પ્લાસ્ટિકના કારખાનામાં ફટાકડાના તણખાથી આગ ભભૂકી ઊઠી હતી. પ્લાસ્ટિકનો મોટો જથ્થો હોવાથી કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા આકાશમાં છવાઈ ગયા હતા. ફાયર વિભાગે ત્વરિત કાર્યવાહી કરી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. શહેરના પોશ અને ધમધમતા યાજ્ઞિક રોડ પર આવેલા એક બહુમાળી કોમ્પ્લેક્સમાં અગમ્ય કારણોસર કે ફટાકડાના તણખાથી આગ લાગી હતી. કોમ્પ્લેક્સમાં સંપત્તિને નુકસાન પહોંચ્યું હતું, પરંતુ સમયસર ફાયર ટીમ પહોંચી જતાં કોઈ જાનહાનિ થઈ નહોતી. જૂના એરપોર્ટ વિસ્તારમાં આવેલા ખુલ્લા વંડામાં કચરો અને સૂકા ઘાસચારામાં આગ ભડકી ઊઠી હતી. આ ઉપરાંત શહેરના અન્ય ભાગોમાં કાર શોરૂમ અને વાહનો નજીક પણ આગના છૂટાછવાયા બનાવો નોંધાયા હતા.
