દિવાળીમાં ફરવા જનારાઓ માટે રેલવેમાં ટિકિટ બુકિંગની શરૂઆત થઈ ગઈ છે.જોકે તેમાં ચાલુ વર્ષે ઓનલાઈનના બદલે રેલવે રિઝર્વેશન સેન્ટર અથવા તો પોસ્ટ ઓફિસમાં જઈને ટિકિટ બુકિંગ કરનારાઓને સૌથી વધુ રાહત થઈ છે.કારણ કે આ બંને જગ્યાઓથી રિઝર્વેશન ટિકિટનું બુકિંગ કરાવનારાઓને મોટાભાગે કન્ફર્મ ટિકિટ મળી રહી છે. જ્યારે ઓનલાઈન ટિકિટ બુકિંગ કરનારાઓને વેઇટિંગ ટિકિટ મળી રહી હોવાની વિગતો જાણવા મળી છે.રિઝર્વેશન સેન્ટર અને પોસ્ટ ઓફિસમાં જઈને ટિકિટ બુક કરનારાઓ કરતા ઓનલાઈન જ ટ્રેન ટિકિટ બુકિંગ કરનારાઓની સંખ્યા સૌથી વધુ છે.
લોકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહેતા હોય છે
ટિકિટના કાળાબજાર કરનારાઓ તો મોટી સંખ્યામાં એકસાથે જ ટિકિટ બુક કરી લેતા હોય છે.તેના કારણે રિઝર્વેશન સેન્ટર પર અથવા તો પોસ્ટ ઓફિસમાં જઈને કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ કન્ફર્મ ટિકિટ મળતી નહીં હોવાની દર વર્ષે ફરિયાદ ઉઠતી હોય છે.જ્યારે ચાલુ વર્ષે તેઓને માટે રાહત છે કારણ કે રેલવે તંત્ર દ્વારા એવી સુવિધા ઊભી કરી હોવાની વિગતો જાણવા મળી છે કે ઓનલાઈન સિસ્ટમ જ ધીમી કરી દેવામાં આવી હોવાથી ટિકિટ ઝડપથી બુકિંગ થઈ શકતું નથી.જ્યારે ઓફલાઈનમાં એટલે કે લાઈનમાં ઊભા રહીને ટિકિટ મેળવનારાઓને 10 મિનિટ સુધી કન્ફર્મ ટિકિટ મળી રહેતી હતી.આ કારણોસર દિવાળીના સમયમાં ફરવા અથવા તો માદરે વતન જનારાઓને સૌથી વધુ રાહત થવાની છે કારણ કે કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કેટલાક લોકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહેતા હોય છે.
200થી વધુ વેઇટિંગ ટિકિટ આપતા કચવાટ
રેલવે તંત્ર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે હવેથી મોટાભાગના મુસાફરોને કન્ફર્મ ટિકિટ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવનાર છે.તેના ભાગરૂપ ૨૫થી વધુ વેઇટિંગ ટિકિટ જ આપવામાં આવતી નહોતી.જ્યારે દિવાળીના અરસામાં તો મુસાફરોનો ધસારો પણ ટ્રેનમાં વધુ રહેતો હોવાની સાથે ટિકિટ રદ કરાવનારાઓની પણ સંખ્યા ઓછી હોય છે.તેમ છતાં રેલવે તંત્ર દ્વારા હાલમાં દિવાળી વેકેશન માટે ટિકિટ બુકિંગની શરૂઆતમાં 200થી વધુ વેઇટિંગ ટિકિટ અલગ અલગ ટ્રેનમાં આપવામાં આવી રહી છે.તેમાં પણ ખાસ કરીને રાજધાની અને અગસ્ત ક્રાંતિ જેવી ટ્રેનમાં પણ 200થી 300 સુધીની વેઇટિંગ ટિકિટ આપવામાં આવતા મુસાફરોમાં કચવાટ જોવા મળી રહ્યો છે.
સોફ્ટવેરથી ટિકિટ કાઢવાનો વેપલો બંધ થતા રાહત
વેકેશનના સમયગાળામાં મુસાફરોને કન્ફર્મ ટિકિટ આપવા માટે ટિકિટના કાળાબજારીયાઓ દ્વારા પહેલા સોફ્ટવેરનો સૌથી વધુ વપરાશ કરવામાં આવતો હતો.જ્યારે આધારકાર્ડ લિંક કરવાની સાથે ઓટીપી આપ્યા બાદ જ ટિકિટ બુકિંગ કરવાનો નિયમ લાગુ કરવામાં આવતા સોફ્ટવેરથી ટિકિટ બુકિંગનો વેપલો લગભગ બંધ થઈ ગયો હોવાની વિગતો જાણવા મળી છે.આ કારણોસર જ રિઝર્વેશન સેન્ટર અને પોસ્ટ ઓફિસ પર ૧૦ મિનિટ સુધી કન્ફર્મ ટિકિટ મળી રહી હોવાનું જાણકારો કહી રહ્યા છે.જો સોફ્ટવેરના માધ્યમથી ટિકિટ બુક કરવામાં આવે તો એક મિનિટ પછી પણ ટિકિટ બુક કરવામાં આવે તો મુસાફરને વેઇટિંગ ટિકિટ જ પહેલા મળતી હોવાનો અનેક કિસ્સા સમયાંતરે બહાર આવ્યા છે.
આ પણ વાંચોઃ Gandhinagar News : વેપારીને 7 દિવસમાં 90 ટકા રિફંડ મળશે, ડિસ્કાઉન્ટને કરાર સાથે જોડવાની શરત દૂર કરાશે