ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) દ્વારા ઉત્તર-પૂર્વ ભારતમાં સક્રિય આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ સિન્ડિકેટ પર અત્યાર સુધીનો સૌથી મોટો પ્રહાર કરવામાં આવ્યો છે. ગુપ્ત બાતમીના આધારે DRIની ટીમોએ આસામ અને ત્રિપુરા રાજ્યમાં એકસાથે ઓપરેશન હાથ ધરીને 231 કિલો શંકાસ્પદ મેથામ્ફેટામાઇનની ગોળીઓ (ડ્રગ્સ) જપ્ત કરી છે. આ ગેરકાયદેસર નશીલા પદાર્થનું બજાર મૂલ્ય સેંકડો કરોડ રૂપિયા હોવાનો અંદાજ સેવવામાં આવી રહ્યો છે.

આસામ અને ત્રિપુરામાં DRIના દરોડા

આ સમગ્ર નશીલો પદાર્થ 4 વિશાળ ટ્રકોમાં અત્યંત ચાલાકીપૂર્વક છુપાવીને લઈ જવામાં આવી રહ્યો હતો. DRIની સતર્કતાના કારણે આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ થયો છે અને સ્થળ પરથી ત્રણ મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.ઓપરેશન દરમિયાન આસામના રામનાથપુરમાંથી બે ટ્રકને આંતરીને તપાસ કરવામાં આવતાં તેમાંથી કુલ 109.2 કિલો ડ્રગ્સ મળ્યું હતું (જેમાં એક ટ્રકમાંથી 55 કિલો અને બીજીમાંથી 54.2 કિલો ગોળીઓ મળી હતી). જ્યારે ત્રિપુરાના તેલિયામુરામાં ત્રીજી ટ્રકમાંથી 72.6 કિલો અને ત્રિપુરાના જ પનિસાગર નજીકથી ચોથી ટ્રકમાંથી 50 કિલો શંકાસ્પદ મેથામ્ફેટામાઇન જપ્ત કરાયું હતું.

DRI દ્વારા 3 આરોપીઓની સ્થળ પરથી ધરપકડ

DRIની આ કામગીરી દરમિયાન મળેલી કડીઓના આધારે સિન્ડિકેટ સાથે જોડાયેલી વધુ ટ્રકોને પણ ઝડપી લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ ૨૦૨૬માં પણ DRIએ સિલચર અને મિઝોરમ સરહદ નજીકથી 76 કિલો મેથામ્ફેટામાઇન ઝડપ્યું હતું. ચારેય ટ્રકો અને જપ્ત કરાયેલા ડ્રગ્સ સામે એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ કાનૂની ગુનો નોંધી સમગ્ર આંતરરાષ્ટ્રીય નેટવર્કના મૂળ સુધી પહોંચવા તપાસ તેજ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Gir Somnath: આલીદ્રાની સોમનાથ એકેડમીની માન્યતા રદ; ધો. 9 થી 12 ના વિદ્યાર્થીઓ અન્ય શાળામાં શિફ્ટ કરાશે