ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા દેશવ્યાપી સોનાની તસ્કરી આચરતી એક મોટિ સિન્ડિકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. DRI ની ટીમે ગુપ્ત બાતમીના આધારે દેશના પાંચ મોટા શહેરો - અમદાવાદ, મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ગુવાહાટીમાં એકસાથે કાર્યવાહી હાથ ધરીને વિદેશી સોનાનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. આ દરોડા દરમિયાન ટીમે 10.36 કરોડ રૂપિયાની કિંમતનું 6.61 કિલો વિદેશી સોનું જપ્ત કરી લેવડદેવડ સાથે જોડાયેલા માસ્ટરમાઇન્ડ સહિત 11 આરોપીઓની ધરપકડ કરી છે.
સોનાની તસ્કરીના પર્દાફાશ
DRI ની તપાસમાં સોનાની તસ્કરીની મોડસ ઓપરેન્ડીનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પૂર્વ ભારતના સરહદી વિસ્તારોમાંથી કોલકાતા અને ગુવાહાટી મારફતે વિદેશી સોનું દેશમાં ઘુસાડવામાં આવતું હતું. ત્યારબાદ સ્થાનિક અને રાષ્ટ્રીય કુરિયર નેટવર્કનો ઉપયોગ કરીને આ સોનું સુરક્ષિત રીતે મુંબઈ, દિલ્હી અને અમદાવાદ જેવા મોટા વેપારી શહેરોના જ્વેલર્સ અને બુલિયન માર્કેટ સુધી પહોંચાડવામાં આવતું હતું.
