અમદાવાદમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે RTOની કાર્યવાહીથી દંડની આવકમાં મોટો વધારો નોંધાયો છે. દંડ ભરવા છતાં નિયમોનું પાલન ન થતાં આરટીઓ કચેરીની તિજોરી પૈસાથી છલકાઈ ગઈ છે. 2024ની સરખામણીએ 2025માં અમદાવાદ આરટીઓને દંડની આવકમાં સીધો 45 ટકાનો વધારો થયો છે.
નિયમભંગના કેસની સંખ્યામાં 31 ટકાનો વધારો
આરટીઓ અને ટ્રાફિક નિયમોનું પાલન કરવું દરેક વાહનચાલક માટે ફરજિયાત છે. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પાસેથી દંડ વસૂલ કરવામાં આવે છે, છતાં નિયમભંગ અટકતો નથી. તેનું પરિણામ એ છે કે અમદાવાદ આરટીઓ દ્વારા દંડની આવકમાં રેકોર્ડ વધારો નોંધાયો છે. આંકડાઓ મુજબ 2024માં અમદાવાદ આરટીઓ દ્વારા રૂપિયા 7 કરોડ 16 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો, જ્યારે 2025માં આ આંકડો વધીને રૂપિયા 10 કરોડ 40 લાખ સુધી પહોંચ્યો છે. માત્ર એક વર્ષમાં દંડની આવકમાં 45 ટકાનો વધારો નોંધાયો છે, જ્યારે કેસની સંખ્યામાં પણ 31 ટકાનો વધારો થયો છે.
હેલ્મેટ ન પહેરવા બદલ રૂપિયા 1,36,000નો દંડ વસૂલવામાં આવ્યો
2025માં વસૂલ કરાયેલા દંડમાં વિવિધ નિયમભંગના કિસ્સાઓ સામેલ છે. ઓવરલોડિંગ: રૂપિયા 2 કરોડ 24 લાખ, ઓવરસ્પીડ રૂપિયા 92 લાખ, ફિટનેસ સર્ટિફિકેટ ભંગ રૂપિયા 49 લાખ, પરમિટ ઉલ્લંઘન રૂપિયા 39 લાખ 80 હજાર, એલઈડી લાઈટનો ગેરકાયદે ઉપયોગ રૂપિયા 11 લાખ 86 હજાર, હેલ્મેટ ન પહેરવા બદલ રૂપિયા 1 લાખ 36 હજાર, PUC ઉલ્લંઘન રૂપિયા 17 લાખ 74 હજાર, લાયસન્સ સંબંધિત કેસ રૂપિયા 63 લાખ 49 હજારનો દંડ કરવામાં આવ્યો છે.
બ્લેકલિસ્ટેડ વાહનો માટે વાહન ટ્રાન્સફર નહીં થાય
આરટીઓ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં રોડ ટેક્સ બાકી રાખનારા 6,300 વાહનોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. આ વાહનોની વિગતો સિસ્ટમમાં બ્લોક કરવામાં આવી છે, જેથી સંબંધિત તમામ સેવાઓ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બ્લેકલિસ્ટેડ વાહનો માટે વાહન ટ્રાન્સફર નહીં થાય, ઈન્શ્યોરન્સ રિન્યુ નહીં થાય, PUC અને ફિટનેસ ટેસ્ટ નહીં થાય ઈન્શ્યોરન્સ કંપનીઓમાં નવી પોલિસી પણ નહીં બની શકે અકસ્માતના કિસ્સામાં વાહન માલિક સામે ફરજિયાત FIR નોંધાઈ શકે છે.
આ પણ વાંચો : Ahmedabad Fire News : શિવાલિક હાઈ સ્ટ્રીટમાં લાગી આગ, 100 લોકોનું કરાયું રેસ્ક્યુ