અમદાવાદ શહેરમાં રિયલ એસ્ટેટ અને આકર્ષક રોકાણ યોજનાઓના નામે હજારો રોકાણકારો સાથે કરોડોની છેતરપિંડી આચરનાર કેશવ નારાયણ ગ્રૂપ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ED ની અમદાવાદ ઝોનલ ઓફિસે કેશવ નારાયણ ગ્રૂપ, રોનક સોનાણી અને વિપુલભાઈ ગાંગાણી સાથે સંકળાયેલી રૂ. 129. 80 કરોડની સ્થાવર મિલકતો ટાંચમાં લીધી છે.
કેશવ નારાયણ ગ્રૂપ સામે PMLA હેઠળ કડક એક્શન
તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ RERA (રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી) કે NA (બિન-ખેતી) મંજૂરી મેળવ્યા વિના જ ગેરકાયદેસર આકર્ષક યોજનાઓ લોન્ચ કરી હતી. રોકાણકારોને ટૂંકા સમયમાં 54 ટકા થી 100 ટકા જેટલું અધધ વળતર આપવાની લાલચ આપી તેમની પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવી લેવાયા હતા. અમદાવાદ શહેરના સેટેલાઇટ, નવરંગપુરા, બોપલ અને ક્રાઇમ બ્રાન્ચ સહિતના 5 પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલી વિવિધ FIR ના આધારે ED એ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો.
